ઈસ્લામાબાદ : પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બે હિન્દુ બહેનોના અપહરણ બાદ બળજબરીપૂર્વક લગ્ન અને ધર્મ પરિવર્તનના બનાવ બાદ પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયના લોકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયના લોકોએ આના માટે જવાબદાર રહેલા લોકો સામે કઠોર પગલા લેવા માટે માંગ સાથે આજે જોરદાર દેખાવો કર્યા હતા. સાથે સાથે દેશના લઘુમતી સમુદાયના લોકોના રક્ષણ માટેના તેમના વચનને પાળવા ઈમરાનખાનને અપીલ કરી હતી.
ગયા વર્ષે ચુંટણી પ્રચાર દરમિયાન ઈમરાનખાને તમામ ધર્મના લોકો અને ખાસ કરીને લઘુમતી સમુદાયનું રક્ષણ કરવા વચન આપ્યું હતું. પાકિસ્તાન હિન્દુ સેવા જનકલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ સંજેશ ધંજાએ કહ્યું છે કે આ બનાવને લઈને પાકિસ્તાની વડાપ્રધાનને અપીલ કરાઈ છે. આ બનાવની નોંધ લઈને લઘુમતીઓની સુરક્ષાની ખાતરી કરવા કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે ખરાબ વર્તન થાય છે. બંદુકની અણીએ હિન્દુ યુવતીઓના અપહરણ કરવાની સમસ્યા ખૂબ ગંભીર બની રહી છે.
સિંધ પ્રાંતમાં આ પ્રકારની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. કેટલાક લોકો દ્વારા હિન્દુ યુવતીઓનું અપહરણ કરાય છે અને તેમને ઈસ્લામ ધર્મ સ્વીકાર કરવાની ફરજ પડાય છે. મોટી વયના લોકો સાથે લગ્ન કરવાની આ હિન્દુ યુવતીઓને ફરજ પાડવામાં આવી રહી છે. આરોપી લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં પોલીસ ખચકાટ અનુભવી રહી છે. હિન્દુ સમુદાયના લોકોનો દાવો છે કે આરોપી લોકો આ વિસ્તારમાં ખોબાર અને મલિક આદિવાસી સાથે જોડાયેલા છે.