અમદાવાદ : ખાનગી સ્કૂલો દ્વારા લેવાતી બેફામ ફી સામે રાજ્ય સરકારે બિલ પસાર કર્યા બાદ પણ તેનો અસરકારક અમલ થઈ શક્યો નથી. જેના પગલે સ્કૂલ સંચાલકો બેફામ બન્યા છે. અનેક શહેરમાં અવારનવાર વાલીઓ અને સંચાલકો વચ્ચે હોબાળાના અહેવાલો સામે આવતા હોય છે. આજે પણ અમદાવાદની નામાંકિત અને ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં વધુ પડતી ફી માંગવાના મુદ્દે વાલીઓએ જારદાર હોબાળો મચાવી હલ્લાબોલ કર્યું હતું. સ્કૂલ સંચાલકોની ફી મુદ્દે વધતી દાદાગીરીના પગલે સ્કૂલમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉમટી પડયા હતા અને સ્કૂલ સંચાલકો જારદાર વિરોધ કર્યો હતો.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ઘાટલોડિયાની જાણીતી કેલોરેક્સ સ્કૂલમાં ફી મુદ્દે વાલીઓ અને સંચાલકો વચ્ચે હોબાળો થયો હતો. સૌ પ્રથમ તો સ્કૂલ સંચાલકોએ ફી ઘટવા છતાં વધુ ફી માંગવાના આરોપમાં બાળકોના પરિણામ અટકાવી દીધા હતા. જેના કારણે વાલીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. વાલીઓએ પહેલા સંચાલકોને શાંતિથી રજૂઆત કરી હતી, પરંતુ કેલોરેક્સ સ્કૂલના સંચાલકોની દાદાગીરી સામે વાલીઓ લાચાર બન્યા હતા. સૌ પ્રથમ તો સ્કૂલ સંચાલકોએ વાલીઓ પાસેથી મસમોટી ફી વસૂલવા માટે એફઆરસીમાં ખોટી ફીની એફિડેવિટ રજૂ કરતા વાલીઓ ભડક્યા હતા. ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલે વર્ષની શરૂઆતમાં ૩૨૦૦૦ ફી લીધી હતી, તેમ છતાં એફઆરસીમાં સ્કૂલ ૫૨૦૦૦ ફી લેતી હોવાનો ઉલ્લેખ કરીને સંચાલકોએ વધુ ફી લેવાનો કારસો ઘડયો હતો. જો સામાન્ય રીતે કોઇ સ્કૂલ પોતાની નિયત કરેલી ફીમાં વધારો કે ઘટાડો કરે તો તેની જાણ વાલીઓને કરતી હોય છે. પરંતુ કેલોરેક્સ સ્કૂલે આવો કોઇ ઉલ્લેખ કે જાણ ન કરી હોવાનું વાલીઓ કહી રહ્યા છે.
પરંતુ આજરોજ બાળકોના પરિણામ આપવાના દિવસે સંચાલકોએ અચાનક તમારા બાળકની ઉપરની ફી લેવાની બાકી છે, તમે ફી ભરો તો જ તમારા બાળકનું પરિણામ આપવામાં આવશે તેમ કહીને સ્કૂલના સંચાલકોએ મધપૂડો છેડ્યો હતો. આ ઘટના વિશે જ્યારે વાલીઓ સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું હતું તે, સૌ પ્રથમ સ્કૂલ દ્વારા આખા વર્ષની ૩૨ હજારની ફી લેવામાં આવી હતી. અમને તે વખતે ઉપરની કોઇ ફીની વાત કરવામાં આવી નહોતી, આ સાથે સંચાલકો આજે જે વાત કહી રહ્યા છે, તેમ એફઆરસીમાં ૫૨ હજાર ફી લેવાનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. વાલીઓએ શાળા સંચાલકોની આ ઉઘાડી છેતરપીંડીને લઇ કાર્યવાહી કરવા સરકારના સત્તાવાળાઓ સમક્ષ માંગ કરી હતી.