રાજસ્થાનમાં ભીષણ ગરમી અકબંધ : પારો ૫૦થી ઉપર

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

નવી દિલ્હી : દેશભરમાં અને ખાસ કરીને રાજસ્થાનમાં ભીષણ ગરમી પડી રહી છે. રાજસ્થાનના અનેક ભાગોમાં તો રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. ચુરુ સહિતના વિસ્તારોમાં પારો ૫૦થી ઉપર પહોંચી ગયો છે. રાજસ્થાનમાં કેટલીક જગ્યાએ તો ગરમીથી બચવા માટે પાણીના છટકાવ કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ વરસાદમાં વિલંબ થવાની આગામી કરવામાં આવતા ચિંતા વધી ગઇ છે. હવામાન વૈજ્ઞાનિક સમર ચૌધરીના કહેવા મુજબ આ વર્ષે મોનસુન કમજાર રહેવાની સંભાવના છે. દિલ્હી અને એનસીઆરમાં મોનસુન સામાન્ય રીતે જુનના છેલ્લા સપ્તાહ સુધી પહોંચે છે. પરંતુ આ વર્ષે તે ૧૦ થી ૧૫ દિવસ મોડેથી પહોંચી શકે છે.

એટલુ જ નહીં સમર ચૌધરીએ કહ્યું છે કે, પ્રી મોનસુન વરસાદ પણ ખુબ જ ઓછો રહ્યો છે. જે ૬૫ વર્ષમાં બીજી વખત આવી સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય રીતે પ્રી મોનસુન વરસાદ ૧૩૫ મિલીમીટર સુધી હોય છે. પરંતુ આ વર્ષે ૯૯ મિલીમીટર સુધી વરસાદ થયો છે. મોનસુનના આગમનવાળા ક્ષેત્રોમાં અલનિનોના સક્રિય થઈ જવાના લીધે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે.

અત્રે નોંધનીય છે કે, ઉત્તર ભારત, મધ્ય ભારત અને દેશના પશ્વિમ ઉપરાંત સહિત મોટાભાગના હિસ્સામાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. પશ્વિમી રાજસ્થાનના અનેક ભાગોમાં પારો ૪૮ સુધી પહોંચી ગયો છે. મોનસુનના વિલંબથી સંકેત મળી રહ્યા છે કે, ગરમીમાં કોઈ ઘટાડો થશે નહી. લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. મોનસુનમાં વિલંબને લીધે અર્થતંત્રને પણ નુકસાન થઈ શકે છે. રાજસ્થાનની સાથે સાથે બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે.

Share This Article