નવીદિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓને કંપનીઓની બેંક લેવડદેવડમાં તપાસ કરવા માટે સૂચના આપી છે. મની લોન્ડરિંગ બદલ ત્રણ લાખથી વધુ કંપનીઓ હાલમાં ચકાસણી હેઠળ આવી ગઈ છે. ટેક્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ટેક્સના નિયમો હેઠળ તેમના વૈધાનિક રિટર્નો દાખલ નહી કરવા બદલ ત્રણ લાખ જેટલી કંપનીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુરુવારના દિવસે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા આઈટી વિભાગના અધિકારીઓને આદેશ જારી કર્યા છે અને મની લોન્ડરિંગ પ્રવૃત્તિ માટે આવી કંપનીઓના સંભવિત દુરુપયોગના મામલામાં તપાસ હાથ ધરી છે. બોર્ડે એવી ઇચ્છા વ્યક્ત કરી છે કે, કર સત્તાવાળાઓ દ્વારા આવી કંપનીઓના બેંક ખાતામાંથી નાણાના ઉપાડ તથા નાણા જમા કરવા માટેની પ્રક્રિયામાં તપાસ જરૂરી છે. સીબીડીટીના અધિકારીઓના કહેવા મુજબ અસામાન્ય લેવડદેવડ અને લાભને શોધી કાઢવાના કેસમાં તપાસ કરાઈ રહી છે.