એશિયા કપમાં ગત રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી રસાકસી ભરેલી ટી૨૦ મેચમાં ભારતનો પરાજય થયો હતો. આ મેચમાં ભારતીય યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે મેચમાં મહત્વના સમયે પાકિસ્તાની ખેલાડીનો કેચ છોડ્યો હતો અને આ કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર બન્યો હતો અને અજાણ્યા શખ્સોએ અર્શદીપના વિકીપીડિયા પેજ ઉપર તે ખાલિસ્તાની વિચારધારા ને સપોર્ટ કરે છે અને તેનું સિલેક્શન ખાલિસ્તાની ટીમમાં થયું છે તેવું લખતાં આ વિવાદ વધુ વકર્યો હતો. ભારત સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી અને વિકીપીડિયાને આ મામલે નોટિસ પાઠવી, જવાબ માંગ્યો હતો. વિકીપીડિયા દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને અર્શદીપના પેજ ઉપરથી વાંધાજનક વિગતો હટાવવામાં આવી હતી.
અનેક ક્રિકેટર્સ અને બોલિવૂડ સેલિબ્રિટીઝે અર્શદીપને આ ઘટના બાદ, સપોર્ટ આપ્યો હતો. બોલીવૂડની વાત કરીએ તો, આયુષ્માન ખુરાના, સ્વરા ભાસ્કર, ગુલ પનાગ, પૂજા ભટ્ટ જેવા અનેક કલાકારોએ અર્શદીપને નિરાશ ન થઈને પોઝિટિવ રહેવા સલાહ આપી હતી. ખાસ કરીને, આયુષ્માને તેના સોશિયલ મીડિયા પર ક્રિકેટ રમતા સમયની વીડિયો પોસ્ટ કરીને લખ્યું હતું કે, આ એશિયા કપમાં ભારતીય ટીમ સારા ફોર્મમાં છે. વિરાટ કોહલીએ ફરી એકવાર ફોર્મ હાસિલ કર્યું છે. સૂર્યકુમાર યાદવ પણ સરસ રમત દાખવી રહ્યો છે. મેચને ઘણો સમય થઈ ગયો છે છત્તાં અનેક લોકો અર્શદીપને ટ્રોલ કરી રહ્યા છે. તેને ટ્રોલ કરવાનું બંધ કરો. તે આપણી ક્રિકેટ ટીમનું ભવિષ્ય છે અને તે ટેલન્ટેડ છે. આગામી બધી જ મેચમાં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરશે તેવી આશા રાખું છું.