અમદાવાદ: એચડીએફસી બેન્કે રાજપીપળા નગરપાલિકા સાથે સહયોગમાં રાજપીપળા અને તેની આસપાસના વિસ્તારના નાગરિકો માટે ઓનલાઈન પેમેન્ટ ગેટવેની સ્થાપના કરી છે. રાજપીપળાનાં નિવાસીઓ ગમે તે સ્થળેથી તેમના ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે નેટબેન્કીંગ સુવિધા મારફતે પ્રોપર્ટી ટેક્સની ચુકવણી ઝડપી અને સુગમતાથી કરી શકશે એમ એચડીએફસી બેન્ક, ગુજરાતના ઝોનલ હેડ સુશ્રી પર્લ સાબાવાલાએ જણાવ્યું હતું. ડિજીટલ બેન્કીંગ ક્ષેત્રે એચડીએફસી બેન્કની વધુ એક પહેલ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં રાજપીપળાનાં નિવાસીઓ તેમના પ્રોપર્ટી ટેક્સની ચુકવણી ભૌતિક સ્વરૂપે નગરપાલિકાની ઓફિસે ડિમાન્ડ ડ્રાફ્ટ, ચેક અથવા કેશ મારફતે કરતાં હોય છે. જે ખાસ્સો એવો સમય લઈ લેતી પ્રક્રિયા છે. આ અજોડ પગલાંથી સમય બચી જશે અને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી છૂટકારો મળશે.
તેનાથી શહેરની બહાર વસતાં લોકોને પણ સરળતા રહેશે. રાજપીપળા નગરપાલિકાની વેબસાઈટ પર ક્લીક કરવાથી પ્રોપર્ટી ટેક્સની ચુકવણી થઈ શકશે. એચડીએફસી બેન્ક, ગુજરાતના ઝોનલ હેડ સુશ્રી પર્લ સાબાવાલાએ વધુમાં ઉમેર્યું કે, એચડીએફસી બેન્કમાં અમે આ ભાગીદાર તરીકે પસંદગી પામતા આનંદ અનુભવીએ છીએ. રાજપીપળા નગરપાલિકાનું પ્રોપર્ટી ટેક્સ અંગેની પેમેન્ટ મિકેનિઝમમાં આ ક્રાંતિકારી પગલું છે. અમે અમારી વૈવિધ્યપૂર્ણ ડિજીટલ ઓફરિંગ્સ સાથે ઝડપી, વ્યસ્તતાપૂર્ણ જીવન વચ્ચે સુગમતાપૂર્ણ જરૂરિયાતો સાથે બેન્કીંગ કરવા પ્રતિબધ્ધ છીએ.
દરમ્યાન રાજપીપળા નગરપાલિકાનાં ચીફ ઓફિસર હેમેન્દ્ર શાહે આ અનોખી પહેલ અઁગે જણાવ્યુ કે, અમને એચડીએફસી બેન્ક સાથે ભાગીદારી કરતાં આનંદ થાય છે. અમે ડિજીટલ પેમેન્ટ સોલ્યુશન્સ દ્વારા ટેક્સ કલેકશન કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમને વિશ્વાસ છે કે આ પગલાંથી નાગરિકોને ઘરઆંગણે ટેક્સ ચુકવણું કરવામાં સરળતા રહેશે. આવી જ રીતે એચડીએફસી બેન્કે રાજ્યમાં ટોચની શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ, નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનો સાથે સામાન્ય જનતા માટે ડિજીટલ પેમેન્ટસ સુલભ બનાવવા જોડાણો કર્યા છે. વધારામાં ડિજીટલ પગલા ઉપરાંત એચડીએફસી બેન્ક તેની ૩૯૪ બ્રાન્ચો અને ૧૧૦૦ એટીએમનાં નેટવર્ક દ્વારા જનતા સુધી પહોંચી છે. આગામી દિવસોમાં પણ એચડીએફસી બેન્ક પ્રજાજનો માટે અન્ય સાનુકૂળ અને હકારાત્મક પગલા લઇને આવી રહી છે.