HDFC બેંક દ્વારા અમદાવાદમાં ‘માર્ગ સલામતી જાગૃતિ અભિયાન’ શરૂ કરાયું

Rudra
By Rudra 3 Min Read

અમદાવાદ : ભારતની અગ્રણી અને સૌથી મોટી બેંકોમાં સામેલ, HDFC બેંકે ગુજરાત પોલીસના સહકાર સાથે મળીને માર્ગ સલામતી જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય, જવાબદાર ડ્રાઇવિંગ તેમજ વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. 11 થી 17 જાન્યુઆરી સુધી ચાલનારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત, બેંકની કોર્પોરેટ સામાજિક જવાબદારી(CSR)ના ભાગરૂપે, આ અભિયાન, શુક્રવારે શરૂ કરવામાં આવ્યું હતું.

આ અભિયાન અમદાવાદના વસ્ત્રાપુર લેક ખાતે HDFC બેંકના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ઝોનલ હેડ અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ધવલ પારેખ, જીગર શાહ અને હર્ષલ નેહરુ તેમજ વસ્ત્રાપુર પોલીસ ઇન્સ્પેક્ટર નિતેશ દેસાઈ અને ગુજરાત પોલીસ તથા વિદ્યાર્થીઓના અન્ય પ્રતિનિધિઓ સામેલ છે, જેમણે બેંકની આ પહેલને સમર્થન આપ્યું છે.

આ અભિયાન હેઠળ, હેલ્મેટ ન પહેરનારા ટુ-વ્હીલર ચાલકોને સલામતી સંદેશાઓ ધરાવતા લાલ કાર્ડ આપવામાં આવ્યા હતા અને હેલ્મેટનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બીજી તરફ, ટ્રાફિક નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને તેમના જવાબદારી સાથેના વર્તનની પ્રશંસા કરતા ગ્રીન કાર્ડ આપવામાં આવ્યા હતા. બંને કાર્ડમાં મહત્વપૂર્ણ ઈમરજન્સી કોન્ટેક્ટ ડિટેઈલ છે, જેમાં પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સર્વિસ અને અભયમ મહિલા હેલ્પલાઇન નંબર સામેલ છે, જેથી લોકોમાં જાગૃતિ અને તૈયારી વધારી શકાય.

આ પહેલ અંગે, ઝોનલ હેડ અને સિનિયર વીપી, જીગર શાહે જણાવ્યું હતું કે, “માર્ગ સલામતી એ એક સહિયારી જવાબદારી છે. આ ઝુંબેશ દ્વારા, અમારું લક્ષ્ય અસુરક્ષિત ડ્રાઇવિંગ પ્રેક્ટિસને હાઈલાઈટ કરીને અને જવાબદાર રોડ યુઝર્સને ઓળખીને લોકોના વ્યવહારમાં પરિવર્તન લાવવાનું છે.”

આ અભિયાન અંતર્ગત, નાગરિકોને જોડવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાના મહત્વ પર ભાર મૂકવા માટે રચાયેલ ખાસ રોડ સેફ્ટી માસ્કોટ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશના ભાગરૂપે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સવારે અને સાંજે બે કલાક માટે સ્વયંસેવકો અને અધિકારીઓ મુખ્ય ટ્રાફિક સિગ્નલો પર તૈનાત રહેશે.

ઝોનલ હેડ અને સિનિયર વીપી ધવલ પારેખે જણાવ્યું હતું કે, “ટ્રાફિક નિયમોનું પાલન રસ્તાઓને વધુ સુરક્ષિત બનાવી શકે છે અને જીવન બચાવી શકે છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય, વાહન ચાલકોમાં જાગૃતિ લાવવાનો અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ પહેલને સમર્થન આપવા બદલ અમે ગુજરાત પોલીસ અને વિદ્યાર્થીઓના આભારી છીએ.”

ઝોનલ હેડ અને સિનિયર વીપી હર્ષલ નેહરુએ કહ્યું હતું કે, “આપણા શહેરોમાં દર વર્ષે હજારો વાહનોનો ઉમેરો થાય છે. તેવામાં ટ્રાફિક જામની અસરો ઘટાડવા અને બધા માટે સુરક્ષિત રસ્તાઓ સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવું ખુબજ મહત્વપૂર્ણ છે. અમે ટ્રાફિક નિયમો વિશે જાગૃતિ લાવવામાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.”

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ ઉજવવામાં આવે છે, જેથી સલામત ડ્રાઇવિંગ પ્રેક્ટિસ, રાહદારીઓની સુરક્ષા અને સુધારેલા રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વને ઉજાગર કરી શકાય. આ મલ્ટી-સિટી કેમ્પેઇન દ્વારા, HDFC બેંક માર્ગ અકસ્માતો ઘટાડવા અને રસ્તાઓને વધુ સુરક્ષિત બનાવવામાં યોગદાન આપવાનો પ્રયાસ કરે છે.

Share This Article