અમદાવાદ : અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર હસમુખ પટેલે બપોરે ૧૨.૩૯ના વિજય મુહુર્તમાં ઉમેદવારીપત્ર ભર્યું હતું. ભારત માતા કી જય અને વંદેમાતરમના જયઘોષ વચ્ચે રાષ્ટ્રવાદી વાતાવરણમાં હસમુખ પટેલે ઉમેદવારીપત્ર ભર્યું હતું. હરિઓમનગર કોમન પ્લોટ ઘોડાસરથી અમદાવાદ પૂર્વ લોકસભાના મધ્યસ્થ કાર્યાલય સુધી ભવ્ય રોડ શો દ્વારા અમદાવાદ મધ્યસ્થ કાર્યાલય પહોંચી ત્યાંથી જિલ્લા પંચાયત લાલદરવાજા સુધી રેલી સ્વરુપે હસમુખ પટેલ પહોંચ્યા હતા.
કેસરિયા માહોલમાં ઉમેદવારીપત્ર ભરવા પહોંચ્યા હતા. હસમુખે આ પ્રસંગે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીમાં નાનામાં નાના કાર્યકરોની જે કદર થાય છે તેનું ઉદાહરણ હું પોતે છું. આના માટે પક્ષના વરિષ્ઠ મોડવી મંડળ અને ભાજપના નેતૃત્વનો આભાર પ્રગટ કરું છે. ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધારવા કામ કરવાની પણ વાત કરી હતી. આજે અમદાવાદ પૂર્વ બેઠક પર ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે ભાજપ અને કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારની લાંબી કતારો જાવા મળી રહી છે.
આજે બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય જ ઉમેદવારીપત્ર ભરવાનો હતો પરંતુ ફોર્મ ચકાસણીનો સમય પૂરતો નહી રહેતાં નિયમ મુજબનો સમય પૂર્ણ થતાં પહેલાં ઉમદવારોને ચૂંટણી અધિકારીઓને ટોકન જાહેર કરવાની ફરજ પડી હતી. ડીડીઓ દ્વારા કોઇપણ ઉમેદવારનું ઉમેદવારીપત્ર ભરવાનું બાકી રહી ના જાય અને તેઓ ઉમેદવારી નોંધાવી શકે તે હેતુથી ટોકન જાહેર કરી દેવાયા હતા.જો કે, ત્યારબાદ આવેલા ઉમેદવારોના ફોર્મ સ્વીકારવામાં આવ્યા ન હતા કે, કચેરીમાં પ્રવેશ અપાયો ન હતો. જો કે, અમદાવાદ પૂર્વ બેઠક પર સીધો જંગ ભાજપના હસમુખ સી.પટેલ અને કોંગ્રેસના ગીતાબહેન પટેલ વચ્ચે જામવાનો છે.