નવીદિલ્હી: ભાજપના નેતૃત્વમાં એનડીએના ઉમેદવાર હરિવંશ નારાયણસિંહ આજે રાજ્યસભાના નાયબ અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ૧૨૫ મતે તેઓ ચૂંટાઈ આવ્યા હતા જ્યારે યુપીએના ઉમેદવાર અને કોંગ્રેસના સાંસદ ડીકે હરિપ્રસાદને ૧૦૫ મત મળ્યા હતા.
પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તેઓ આ મામલાને લઇને હરિવંશ નારાયણસિંહને અભિનંદન પાઠવે છે. લખાણમાં તેમની કુશળતા રહેલી છે. તેઓ પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પણ ફેવરિટ રહ્યા હતા.
હરિવંશ બિહારમાંથી જેડીયુના સંસદ સભ્ય તરીકે છે સાથે સાથે પૂર્વ પત્રકાર પણ છે. હરિપ્રસાદ કર્ણાટકમાંથી કોંગ્રેસના સાંસદ તરીકે હતા. રાજ્યસભાના નાયબ અધ્યક્ષની જગ્યાએ પહેલી જુલાઈના દિવસે ખાલી પડી હતી. કારણ કે, કોંગ્રેસના પીજે કુરિયન નિવૃત્ત થઇ ગયા હતા. ગયા મહિને લોકસભામાં સરકાર સામે નિષ્ફળ રહેલી અવિશ્વાસ દરખાસ્ત બાદ રાજ્યસભામાં નાયબ અધ્યક્ષ પદ માટેની સ્પર્ધા વિપક્ષી એકતા માટે મોટી પરીક્ષા તરીકે ગણાઈ રહી હતી. જેડીયુના ઉમેદવારને ચૂંટી કાઢવા માટે ભાજપે તમામ સાથી પક્ષોનો સંપર્ક કર્યો હતો. સાથી પક્ષોની અવગણનાના આક્ષેપો હાલમાં થતાં રહ્યા છે. રાજ્યસભામાં બહુમતિ નહીં હોવાના પરિણામ સ્વરુપે ભાજપ માટે મોટી સમસ્યા ઉભી થઇ હતી, પરંતુ હવે ભાજપને રાહત રહેશે કારણ કે, તેના ઉમેદવાર હવે રહેલા છે. ચેરમેન તરીકે વેંકૈયા નાયડુ અને ડેપ્યુટી ચેરમેન તરીકે પણ તેમની પસંદગી કામે લાગી છે.
મહત્વની બાબત એ છે કે, રાજ્યસભાના નાયબ અધ્યક્ષ માટેની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની પાછળ બીજેડીના નવ સભ્યો રહ્યા હતા. બીજેડીના નવ સભ્યોના ટેકાથી સ્પષ્ટ લીડ એનડીએને મળી ગઈ હતી. બીજેડી હમેશા જેડીયુને સમર્થન આપે છે. જયપ્રકાશ નારાયણ ચળવળના દિવસોથી જ જેડીયુ અને બીજેડીના સંબંધો ખુબ સારા રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ઓરિસ્સાના એઆઈસીસીના ઇન્ચાર્જ હતા. બીજેડી વિરુદ્ધ તેમના નિવેદનો પણ જાણીતા રહ્યા છે.
બુધવારના દિવસે ભાજપ પ્રમુખ અમિત શાહે જુદા જુદા નેતાઓ સાથે વાતચીત કરી હતી જેમાં અકાળી દળ, શિવસેના, જેડીયુનો સમાવેશ થાય છે. હરિવંશના સમર્થનમાં પેપરના ચાર સેટ સોંપવામાં આવ્યા હતા. કોંગ્રેસના સાંસદ હરિપ્રસાદની ઉમેદવારીને બસપના સતીષમિશ્રા, એનસીપીના વંદના ચૌહાણ, કોંગ્રેસના આનંદ શર્મા, સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવ અને આરજેડીના મિશા ભારતીએ ટેકો આપ્યો હતો.