નવીદિલ્હી : એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે ગુજરાતના તત્કાલિન ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાના મામલામાં નવેસરથી તપાસની માંગ કરીને દાખલ કરવામાં આવેલી અરજી ઉપર તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટની દેખરેખમાં નવેસરથી તપાસની માંગ કરતી અરજી પર આજે કોઇ ચુકાદો આપવામાં આવ્યો ન હતો. જસ્ટિસ અરુણ મિશ્રાના નેતૃત્વમાં બેંચે આ ચુકાદો અનામત રાખ્યો હતો. એનજીઓ સીપીઆઈએલ માટે ઉપસ્થિત થયેલા વરિષ્ઠ વકીલ શાંતિ ભૂષણ તરફથી રજૂઆત કરવામાં આવ્યા બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. સોલીસીટર જનરલ તુષાર મહેતાએ પણ તર્કદાર દલીલો કરી હતી.
ભૂષણે કહ્યું કે કેટલીક નવી વિગતો હરેન પંડ્યાના મામલામાં સપાટી ઉપર આવી રહી છે જેને લઇને હત્યા કેસના સંદર્ભમાં નવેસરથી તપાસની જરૂર દેખાઈ રહી છે. સોલીસીટર જનરલે આક્ષેપ કર્યો હતો કે, રાજકીય દ્વેષભાવના હેતુસર એનજીઓ દ્વારા આ અરજી કરવામાં આવી છે. ગુજરાતમાં તત્કાલિન નરેન્દ્ર મોદી સરકારમાં પંડ્યા ગૃહમંત્રી હતા. ૨૬મી માર્ચ ૨૦૦૩ના દિવસે તેમની અમદાવાદ શહેરના લો ગાર્ડન વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. મો‹નગ વોક ઉપર હરેન પડ્યા હતા ત્યારે તેમના ઉપર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો.
આ બનાવને લઇને રાજકીય ગરમી પણ જામી હતી. સરકાર સામે પણ દોષારોપણ કરવામાં આવ્યા હતા. હરેન પંડ્યા હત્યા કેસે દેશભરમાં હોબાળો મચાવ્યો હતો. ભૂષણે આક્ષેપ કર્યો હતો કે, આ ચકચારી કેસમાં નવેસરના પાસાઓ સપાટી ઉપર આવ્યા બાદ કોર્ટની દેખરેખમાં તપાસ જરૂરી બની છે.