અમદાવાદ : હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્રારા તા.૮ નવેમ્બર, ૨૦૧૮ના રોજ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ખૂબ જ ભવ્યતા સાથે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં ઉજવાઈ રહેલ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો શ્રધ્ધાળુ ભકતો માટે એક પ્રભુ સાથે તાદાત્મ્યનો અદભુત અનુભવ બની રહેશે. શુદ્ધ શાકાહારી કેકમાંથી બનાવેલ ગોવર્ધન પર્વત, વિવિધ જાતના પકવાન અને મિષ્ડાનનો અન્નકૂટ, ગૌ-પૂજા, દીપોત્સવ આરતી, સાંસ્કૃતિક કાર્યક્રમ વિગેરે ઉત્સવની ઉજવણીમાં વધારો કરશે. ભગવાન શ્રીકૃષ્ણએ ઈન્દ્રના ક્રોધ અને અત્યાર સામે વ્રજવાસીઓનું રક્ષણ કરવા પોતાના ડાબા હાથની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉંચકયો હતો. આ પ્રંસગની યાદગીરી રૂપે કારતક માસમાં ગોવર્ધનપૂજા અને ઉત્સવ મનાવવામાં આવે છે. આ જ દિવસે ઉત્સવના મહત્વના ભાગરૂપે ગૌ-પૂજા (ગાયની પૂજા) પણ કરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞા અનુસાર અને વ્રજવાસીઓના પગલાને અનુસરતા દર વર્ષે કારતક માસમાં આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હરે કૃષ્ણ મંદિરના ભક્તો દ્રારા ગોવર્ધન પર્વતની પ્રતિકૃતિ સમાન જ ગોવર્ધન પર્વત ને શુદ્ધ શાકાહારી કેક, જુદી જુદી જાતના કૂકીસ, વિવિધ જાતના અનાજ અને શુદ્ધ ઘીની બનાવટો (જેમ કે ભાત, હલવો, પકોડા, પૂરી વગેરે) દૂધની વિવિધ જાતની બનાવટો (જેમ કે સ્વીટ ભાત, રબડી, રસગુલ્લા, અને લાડુ વગેરે)થી બનાવવામાં આવશે.
ગોવર્ધન પર્વતમાં ઉપયોગમાં લેવાતી કેક અને કૂકીસને મંદિરની બેકરીમાં ભકતો દ્રારા જ બનાવવામાં આવશે. જે ૧૦૦ ટકા શુદ્ધ અને શાકાહારી હશે. આ બધા વ્યંજનોને નાના પર્વતોના રૂપમાં ગોઠવવામાં આવશે અને ભગવાનને અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ આ પ્રયોજનોને પ્રસાદરૂપે ભકતોને વહેંચવામાં આવશે. આ કારણે જ આ ઉત્સવને અન્નકૂટ ઉત્સવ તરીકે પણ મનાવવામાં આવે છે. ગોવર્ધન પર્વતની પ્રતિકૃતિ સમાન આશરે \૧૦૦૦ કિલોગ્રામ વજન ધરાવતી ગોવર્ધન કેક શ્રી શ્રી રાધા માધવ ને અર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ આ કેકને સૌ દર્શનાર્થી ભકતોમાં પ્રસાદરૂપે વહેંચવામાં આવશે. આ મહોત્સવની ઉજવણી દરમ્યાન ગાયને સુંદર રીતે શણગારવામાં આવશે અને તેની પૂજા કરવામાં આવશે.
ભગવાન શ્રીકૃષ્ણ કે જેમને ગોપાલ તરીકે પણ પૂજવામાં આવે છે જે ગાયોના રક્ષણકર્તા છે, તેમની આરતી કરાશે. ભકતો આ પ્રસંગોને અનુરૂપ ભજનો અને ગીત-સંગીત ગાઈને ઝુમી ઉઠશે. ઉત્સવના અંતમાં શ્રી શ્રી રાધા માધવની અને ગોવર્ધન પર્વતની મહા આરતી કરવામાં આવશે, ત્યારે શ્રધ્ધાળુ ભકતો શ્રી ગોવર્ધનઅષ્ટકમનું ગુણગાન કરશે, જેની કીર્તિને આઠ શ્લોકમાં વર્ણવવામાં આવી છે. કારતક માસમાં ઉજવાતા દિપોત્સવ મહોત્સવના ભાગરૂપે અંતમાં ભગવાનની અતિભવ્ય દિપોત્સવ આરતી પણ કરવામાં આવશે. ગોવર્ધન પૂજા અને અન્નકુટ મહોત્સવની ઉજવણીમાં આ વર્ષે પણ હજારો શ્રધ્ધાળુ ઉમટી પડશે.