અમદાવાદ: પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીની માંગ સાથે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે શરૂ કરેલા આમરણાંત ઉપવાસનો આજે ૧૧મા દિવસ છે. આ ૧૧ દિવસના ઉપવાસમાં હાર્દિકનું સ્વાસ્થ્ય ગંભીર અને ચિંતાજનક રીતે લથડયું છે. ૧૧ દિવસના ઉપવાસમાં હાર્દિકનું વજન ૨૦ કિલો જેટલું ઘટી ગયું છે. ૭૮ કિલોનો હાર્દિક પટેલ હવે ૫૮ કિલોનો બની ગયો છે.
હાર્દિકની લથડી રહેલી તબિયતને લઇ ડોકટરો તેને સતત દાખલ થવાની સલાહ આપી રહ્યા છે તો બીજીબાજુ, સરકારના જક્કી અને અહંકારી વલણને લઇ પાટીદારોમાં સરકાર પરત્વે ઉગ્ર આક્રોશ ફેલાયો છે., જેના ઘેરા પ્રત્યાઘાત આગામી દિવસોમાં જાવા મળે તેવી શકયતા છે. પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવા માફીની માંગણી સાથે ગત તા.૨૫મી ઓગસ્ટથી હાર્દિક પટેલે તેના ગ્રીનવુડ રિસોર્ટ ખાતેના નિવાસસ્થાન ખાતે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. ઉપવાસ શરૂ કર્યા ત્યારે તેનું વજન ૭૮ કિલો હતું પરંતુ ઉપવાસના ૧૧ દિવસ બાદ તેના વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને એક મણ એટલે કે તેના શરીરનું વન ૨૦ કિલો જેટલું ઘટી ગયું છે.
હાર્દિકના મેડિકલ ચેકઅપ માટે સોલા સિવિલ હોસ્પિટલની ટીમ પહોંચી હતી. ડો. મિનિષ પંચાલની આગેવાનીમાં ગયેલી ટીમમાં એક ફિઝિશિયન ડોક્ટરને પણ સાથે રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાર્દિક બે દિવસથી યુરિન કે બ્લડ ટેસ્ટ કરવાની ના પાડી રહ્યો છે. સોલા સિવિલના ડો. મનીષા પંચાલે જણાવ્યું હતું કે, બે દિવસ બાદ શારીરિક તપાસ કરવામાં આવી હતી તેમાં પલ્સ અને બ્લડ પ્રેસર નોર્મલ છે. તેણે સુગર અને યુરિન ટેસ્ટ કરવાની ના પાડી હતી. તેના ૧૦૦/૮૦ પલ્સ રેટ અને હાલ ૫૮.૩ કિલો વજન થયું છે. હાર્દિકને સતત હોસ્પિટલમાં એડમિટ થવાની સલાહ આપવામાં આવી રહી છે. હલનચલન કરવામાં તેને તકલીફ થાય છે અને ચક્કર આવી રહ્યા હોવાની તેણે ફરિયાદ કરી છે.
હાર્દિક ઉપવાસ પર ઉતર્યો ત્યારે તંદુરસ્ત અને હસમુખો ચહેરો ધરાવતો હતો. પરંતુ ઉપવાસ પર ઉતરતા તેણે અન્નનો ત્યાગ કર્યો હતો. આ ઉપરાંત બે દિવસ જળનો ત્યાગ કરતાં તેની હાલત દિવસેને દિવસે કથળી રહી છે. જા કે, તા.૧ લી સપ્ટેમ્બરે એસપી સ્વામીએ જળગ્રહણ કરાવ્યું જેને પગલે તેને થોડી રાહત થઈ હતી. પરંતુ તેના વજન ઉતરવાનું ઓછું થયું ન હતું. તેની હાલની સ્થિતિ દયામણી થઈ ગઈ છે. હાલ તેનું સ્વાસ્થ્ય ચિંતાજનક રીતે કથળી રહ્યું છે અને ૧૧-૧૧ દિવસના ઉપવાસ છતાં સરકારનું પેટનું પાણી હાલતું નહી હોવાથી અમદાવાદ શહેર સહિત રાજયભરના પાટીદારોમાં સરકારના જક્કી વલણને લઇ હવે ઉગ્ર આક્રોશ ફેલાઇ રહ્યો છે. જેના પ્રત્યાઘાત આગામી દિવસોમાં જાવા મળે તેવી શકયતા છે.