અમદાવાદ: પાટીદાર સમુદાય માટે અનામતની માંગ અને ખેડૂતોની દેવા માફીની માંગણી આમરણંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલની તબિયત આજે વધારે બગડ્યા બાદ હાર્દિકને તાબડતોડ સોલા સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો અને આઈસીયુમાં સારવાર શરૂ થઇ હતી. બીજી બાજુ હાર્દિક પટેલને વધુ સારવાર માટે બેંગ્લોર ખસેડવાને લઇને પણ ચર્ચા થઇ છે. હાર્દિકને કિડનીમાં ઇન્ફેક્શન હોવાની વિગત સપાટી ઉપર આવી છે. હાર્દિકના આમરણાંત ઉપવાસના આજે ૧૪માં દિવસે તેની તબિયત વધારે લથડી હતી.
હાર્દિક પટેલના ઉપવાસના ૧૪માં દિવસે આખરે તેની તબિયત લથડી જતાં તેને તાબડતોબ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો અને એમઆઇસીયુ વોર્ડમાં બેડ નં-૩ પર તેની અરજન્ટ સારવાર શરૂ કરવામાં આવી હતી. આજે બપોરે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે મહ્તવપૂર્ણ મંત્રણા અને ચર્ચાના અડધા કલાક બાદ બપોરે ૩-૧૫ મિનિટે હાર્દિકને શ્વાસ લેવામાં તકલીફ પડતા અને તેની સ્થિતિ ગંભીર બનતાં તેને આઇસીયુ ઓન વ્હીલ મારફતે તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
બીજીબાજુ, અમદાવાદ શહેર સહિત રાજયભરના પાટીદાર સમાજમાં હાર્દિકની તબિયતને લઇ ચિંતાનુ મોજુ ફરી વળ્યું હતું અને ઠેર-ઠેર હાર્દિકના સારા સ્વાસ્થ્ય માટે પાર્થનાનો દોર ચાલ્યો હતો. પોતાની માંગણીઓ નહી સંતોષાતા અને સરકારપક્ષ તરફથી કો સંવાદ નહી સધાતાં રાજય સરકારને આપેલા અલ્ટિમેટમ મુજબ હાર્દિકે ગઇકાલ રાતથી પાણીનો ત્યાગ કર્યા બાદ તેને સતત ચક્કર આવવા અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવા સહિતની સમસ્યાઓ ચાલુ થઇ હતી. પાણીનો ત્યાગ કર્યાના અઢાર કલાક બાદ આખરે હાર્દિકની તબિયત ગંભીર રીતે બગડતાં તેને ઉપવાસ છાવણીથી બપોરે ૩-૧૫ મિનિટે આઈસીયુ ઓન વ્હીલમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો હતો.
હાર્દિકને ગમે તે ઘડીયે દાખલ કરવો પડે તેવી સ્થિતિ હોઇ તંત્ર દ્વારા હોસ્પિટલના છઠ્ઠા માળે હાર્દિક માટે આસીસીયુમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, મોટી સંખ્યામાં સમર્થકો તેની એમ્બ્યુલન્સની પાછળ સોલા સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યા હતાં. હાર્દિકને હોસ્પિટલ ખસેડાતા પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં પોલીસ હાઈ એલર્ટ કરી દેવાઈ છે. હાર્દિકની તબિયત લથડવાના પગલે ગુજરાતભરના પાટિદાર પ્રભાવિત વિસ્તારોમાં પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય તેની તકેદારી સ્વરૂપે પોલીસને સ્ટેન્ડ ટૂ રાખી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિકના કથળી રહેલા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સોલા સિવિલ ખાતે વિશેષ રૂમ સહિતની તૈયારીઓ આગોતરી કરી દેવામાં આવી હતી.
ડોક્ટરનો ફોજને તૈયાર રાખવા ઉપરાંત વ્યવસ્થા જાળવવા માટે વધારાના પોલીસ ફોર્સને પણ સોલા સિવિલ અને આસપાસના વિસ્તારોમાં તૈનાત રાખી દેવામાં આવ્યો છે. હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ૧૪મો દિવસ હતો અને તેની તબિયત ગંભીર રીતે લથડતાં તેને સોલા સિવિલમાં આખરે દાખલ કરવાની ફરજ પડી હતી. ડોકટરોએ સ્પષ્ટ કર્યું હતું કે, હાર્દિકે મોઢા વાટે કશું જ લીધું નથી અને તેને માત્ર બોટલ જ ચઢાવાઇ રહી હતી. હાર્દિકના શરીરમાં પોટેશીયમની ઉણપ સામે આવી હતી. હાર્દિકે પણ તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાની ફરિયાદ કરી હતી.
હાલ તો, હાર્દિક સરકારી ડોકટરો અને પાટીદારોના ખાનગી ડોકટરોની ટીમના સતત નીરીક્ષણ હેઠળ દાખલ છે. તેના લોહી, કિડની અને લીવર સંબંધી તમામ રિપોર્ટ હોસ્પિટલ તંત્ર દ્વારા લેવાયા હતા અને તેના આધારે અસરકારક સારવાર અપાઇ રહી છે. સૌરભ પટેલે આક્ષેપ કરતા કહ્યું હતું કે, હાર્દિક સહિતના લોકોએ સમાજના અગ્રણી લોકોનું અપમાન કર્યું છે પરંતુ સરકારના દરવાજા દરેક સમાજ માટે ખુલ્લા છે.