અમદાવાદ: પાટીદારોને અનામત અને ખેડૂતોને દેવામાફીની માંગણી સાથે આજથી ભારે ઉત્તેજનાભર્યા અને અજંપાભર્યા માહોલ વચ્ચે પાટીદાર યુવા નેતા અને પાસના કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો તેના છત્રપતિ નિવાસ નામના નિવાસસ્થાને પ્રારંભ થયો હતો. વહેલી સવારથી જ સમગ્ર પાટીદાર સમાજમાં હાર્દિકના ઉપવાસને લઇ ભારે ઉત્સાહ અને સમર્થનનો માહોલ સર્જાયો હતો. જો કે, સરકાર અને પોલીસ તંત્રએ કોઇપણ ભોગે હાર્દિકના ઉપવાસ આંદોલનને તોડી પાડવાના ભાગરૂપે કલમ-૧૪૪ લાગુ કરી દઇ પાટીદારોને ઉપવાસ આંદોલન સ્થળે જતાં અટકાવાયા હતા. જો કે, તેમ છતાં કોંગ્રેસના ચાર ધારાસભ્યો અને અન્ય ૧૦૦ જેટલા પાટીદારો હાર્દિકના ઉપવાસ સ્થળ સુધી છૂટાછવાયા પહોંચવામાં સફળ થયા હતા અને હાર્દિકની સાથે ઉપવાસ આંદોલનમાં જોડાઇ તેને સમર્થન આપ્યું હતું.
કોંગ્રેસના ધારાસભ્યોએ હાર્દિકના ઉપવાસ આંદોલનને ખુલ્લુ અને જાહેર સમર્થન આપતાં રાજકારણ ગરમાયું હતું. તો, હાર્દિકના ઉપવાસમાં અપક્ષ ધારાસભ્ય અને દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણી પણ જોડાયા હતા. રાજયભરમાંથી હાર્દિકની સાથે ઉપવાસ આંદોલનમાં જોડાવા અને તેના સમર્થનમાં આવી રહેલા આશરે ૧૬ હજારથી વધુ પાટીદારોની આજે જિલ્લા-તાલુકા કક્ષાએ પોલીસ તંત્ર દ્વારા અટકાયત કરવામાં આવતાં પાટીદાર સમાજમાં તેના ઉગ્ર અને ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.
આજે બપોરે ત્રણ વાગ્યાથી સત્તાવાર રીતે શરૂ કરાયેલા હાર્દિકના ઉપવાસ આંદોલનમાં આમ તો, એકંદરે પાટીદારોની પાંખી અને છૂટીછવાઇ હાજરી વર્તાતી હતી કારણ કે, પોલીસે પહેલેથી જ કલમ-૧૪૪ લાગુ કરી દીધી હોઇ પાટીદારો મુકત રીતે ઉપવાસ સ્થળ સુધી પહોંચી શકયા ન હતા. તેમ છતાં કેટલાક મક્કમ આગેવાનો છૂટીછવાઇ રીતે યેનકેન પ્રકારે હાર્દિકના નિવાસસ્થાને પહોંચવામાં સફળ રહ્યા હતા. તો, કોંગ્રેસના ચાર ધારાસભ્યો પણ હાર્દિકની સાથે જોડાવામાં સફળ રહ્યા હતા.
હાર્દિકના ઉપવાસ સ્થળે જઇ રહેલા પાસના અગ્રણી દિનેશ બાંભણિયાની પોલીસે વૈષ્ણોદેવી પાસે જ અટકાયત કરી લીધી હતી. જેને લઇ પાટીદારોમાં ઉગ્ર રોષ પ્રવર્તયો હતો. આ જ પ્રકારે હાર્દિકના ઉપવાસમાં જોડાવવા માટે મહેસાણા સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી અમદાવાદ આવતા પાસ આગેવાન અને પાટીદારોની પોલીસે બહુ પ્લાનીંગ સાથે અટકાયત કરવાનું શરૂ કર્યું હતું. મહેસાણામાં સુરેશ ઠાકરે અને સતિષ પટેલ સહિતના પાટીદારોની અટકાયત કરાઈ હતી તો, બનાસકાંઠામાં ૧૯ પાટીદાર યુવાનોને પાલનપુરથી અટકાયત કરી લેવાઇ હતી. આ જ પ્રકારે પંચમહાલમાં પાસ કન્વીનર નીરજ પટેલની કાલોલથી અટકાયત કરાઈ હતી અને સુરતના પાસ કન્વીનર નિલેશ કુંભાણીની પણ અટકાયત થઈ હતી. રાજયભરમાંથી હાર્દિકની સાથે ઉપવાસ આંદોલનમાં જાડાવા અને તેના સમર્થનમાં આવી રહેલા આશરે ૧૬ હજારથી વધુ પાટીદારોની આજે જિલ્લા-તાલુકા કક્ષાએ પોલીસ તંત્ર દ્વારા અટકાયત કરવામાં આવતાં પાટીદાર સમાજમાં તેના ઉગ્ર અને ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.
દરમ્યાન કોંગ્રેસના ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ પણ હાર્દિકના નિવાસે સમર્થન માટે પહોંચી ગયા હતા. ગ્રીનવુડ રિસોર્ટમાં આવેલા હાર્દિકના નિવાસે જતાં પાટીદાર સમર્થકોને પોલીસ ગેટ બહાર ડોક્યુમેન્ટની ચકાસણી કરતી હતી અને તેમનું નામ નોંધીને અંદર પ્રવેશ આપતી હતી. સરકાર અને પોલીસ તંત્રના ઉપવાસ આંદોલન તોડવાના હીન પ્રયાસને હાર્દિકે આકરા શબ્દોમાં વખોડી કાઢયો હતો અને સરકાર અને તંત્ર પર પ્રહારો કરી ગંભીર આરોપ લગાવ્યા હતા. એટલું જ નહી, રાજયભરમાં પાટીદારો સહિત અન્ય સમાજના લોકોને પણ ન્યાયની આ લડાઇમાં જિલ્લા-તાલુકા કક્ષાએ ઉપવાસ આંદોલન પર ઉતરવાની જાહેર અપીલ કરી હતી.
હાર્દિકના ઉપવાસ આંદોલનને લઇ સરકાર અને પોલીસ તંત્ર દ્વારા અમદાવાદ, મહેસાણા, વિસનગર, વિજાપુર, સુરત સહિતના સંવેદનશીલ સ્થળો અને અન્ય વિસ્તારોમાં સ્થાનિક પોલીસ, એસઆરપી સહિતની સુરક્ષા જવાનોની ફૌજ ખડકી દીધી હતી અને લોખંડી સુરક્ષા વ્યવસ્થા તૈનાત કર્યું હતું. તા.૫ સપ્ટેમ્બર – કપડવંજ , વીરપુર , બાલાસિનોર , કઠલાલ , ખેડા , માતર , નડિયાદ , ઠાસરા , સોજીત્રા , ઉમરેઠ , આણંદ , પેટલાદ , ખંભાત , બોરસદ અને રાજપીપળાના પાટીદારો ઉપસ્થિત રહેશે.