અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ આંદોલન મામલે વારંવાર માંગણી કરવા છતાં જગ્યા કે મંજૂરી નહી અપાતાં આખરે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી માર્મિક વાતોનો ઉલ્લેખ કરી બંધારણીય અધિકારની દુહાઇ આપી છે.
હાર્દિક પટેલે પત્રમાં મુખ્યમંત્રીને લખ્યું છે કે, શું ગુજરાતમાં જનતાને પ્રશ્ન પૂછવાનો, વિરોધ કરવાનો, શાંતિપૂર્ણ આંદોલન કરવાનો, સરકારની નીતિઓથી અસહમતિ દર્શાવવાનો અધિકાર પણ ઝૂંટવાઇ રહ્યો છે? જેથી અમને ઉપવાસ આંદોલનની પરવાનગી ન આપવી એ નામદાર સુપ્રીમ કોર્ટ અને બંધારણે આપેલ અધિકારનો ભંગ થયો ગણાશે. જેથી આપ સાહેબને નમ્ર વિનંતી છે.
હાર્દિક પટેલે લખ્યુ છે કે, આજથી ૭૧ વર્ષ પહેલા દમનકારી અને જુલ્મી શાસન વ્યવસ્થા સામે સત્યાગ્રહ, ઉપવાસ આંદોલનો, સવિનય કાનૂન ભંગ, શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો, અહિંસક અને શાંતિપૂર્ણ સંઘર્ષ દ્વારા ભારતને આઝાદી મળી. દમનકારી અને જુલ્મી શાસન વ્યવસ્થા સામે અવાજ ઉઠાવવા કાયદા અને બંધારણની મર્યાદામાં રહી શાંતિપૂર્ણ અહિંસક આંદોલન કરવા એ ભારત દેશની પ્રણાલિકાની સ્વીકૃત પરંપરા છે અને એટલે જ ભારતીય બંધારણમાં દરેક વ્યક્તિને પોતાના હક્કો અને અધિકારો માટે શાંતિપૂર્ણ આંદોલન કરવાનો અધિકાર પ્રાપ્ત છે.
ગુજરાતમાં ખેડૂતોને થઇ રહેલા અન્યાય અને પાટીદાર સમાજ અનામતથી વંચિત હોવાના મુદ્દાઓ સાથે અમોએ તા.૨૫-૦૮-૨૦૧૮નાં રોજ કાયદા અને બંધારણની મર્યાદામાં રહી શાંતિપૂર્ણ અહિંસક ઉપવાસ આંદોલનમાં બેસવાની ઘોષણા કરી છે. ઉપવાસ આંદોલનમાં મારી સાથે સામાજિક કાર્યકરો, ખેડૂતો અને સામાજિક આગેવાનો જોડાવાના છે. જે માટે જરૂરી પરવાનગી અને જગ્યાની ફાળવણી માટે તંત્રને અમારા દ્વારા વારંવાર લેખિત અને મૌખિક માંગણીઓ અને રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજદીન સુધી અમોને ઉપવાસ આંદોલન કરવા માટેની જરૂરી પરવાનગી આપવામાં આવી નથી કે, ઉપલબ્ધ સ્થળો હોવા છતાં ઉપવાસનાં આયોજન માટે પ્લોટની ફાળવણી કરવામાં આવી નથી. કાયદાની મર્યાદામાં રહીને ઉપવાસ અને ધરણાં કરવાનો, લોકશાહી દેશમાં સરકારનાં નિર્ણયો અને નીતિઓ સામે અવાજ ઉઠાવવાનો અમોને ભારતનાં બંધારણના આર્ટીકલ ૧૯(૧) (એ) અને આર્ટિકલ ૧૯(૧) (બી) મુજબ મૂળભૂત અધિકાર પ્રાપ્ત છે.
નામદાર સુપ્રીમ કોર્ટ તથા વિવિધ હાઇકોર્ટનાં ચુકાદાઓ અનુસાર ઉપવાસ આંદોલન કરવાનો અમને હક્ક અને અધિકાર છે. અમારી માંગણીઓ અને અવાજ સરકારને સંભળાય તે માટે શાંતિપૂર્ણ પ્રદર્શન અને ઉપવાસ આંદોલન કરવા એ અમારો મૌલિક બંધારણીય મૂલ્યવાન અધિકાર છે. નામદાર સુપ્રીમ કોર્ટે ૨૦૧૨માં રામલીલા મેદાનમાં બનેલા બનાવ અંગે ચુકાદો આપતા સમયે નોંધ્યુ હતુ કે ઉપવાસ આંદોલનને ગેરબંધારણીય ગણાવી શકાય નહીં કે કોઈ કાયદા હેઠળ અવરોધી શકાય નહીં, ઉપવાસ આંદોલન એ પ્રદર્શનનો એક પ્રકાર છે અને તે ઐતિહાસિક દ્રષ્ટીએ અને કાયદાકીય રીતે આપણા બંધારણમાં સ્વીકાર્ય છે.
લોકશાહીમાં શાંતિપૂર્ણ આંદોલન થતા આવ્યા છે, આપની રાજકીય પાર્ટી સત્તામાં હોવા છતાં આપણા ભારત દેશનાં વડાપ્રધાન મોદી સાહેબે, ભાજપનાં પ્રમુખ અમિત શાહ અને ભાજપનાં સંસદ સભ્યો તથા તમામ કાર્યકરો નેતાઓએ તા.૧૨-૦૪-૨૦૧૮ના રોજ ઉપવાસ કર્યા હતા. બંધારણે અમને આપેલ કાયદેસરનાં અહિંસક હથિયાર ઉગામતા અમોને રોકવામાં આવશે તો એ ભારતનાં બંધારણ અને ન્યાય પ્રણાલિકાએ સ્થાપિત સિંધ્ધાતોનાં વિરુદ્ધનું કૃત્ય ગણાશે. કાયદાનો ભંગ ન થવા અંગે તંત્રને બાહેંધરી આપી છે અને આપીએ છીએ કે અમારા ઉપવાસ આંદોલનથી કોઇ પણ પ્રકારનાં કાયદો અન વ્યવસ્થાનો ભંગ નહીં થાય. અમે પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપીશુ. અમારું આંદોલન ગાંધી ચીંધ્યા માર્ગે અહિંસક કાયદા અને બંધારણની જોગવાઇઓને આધિન રહેશે. આંદોલન દરમિયાન વ્યવસ્થાનાં ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા જે આદેશો અને નિર્દેશો આપવા આવશે, અમે તેનું ચોક્કસ પાલન કરીશું.
ઉપવાસ આંદોલનને કાયદો અને બંધારણની સ્વીકૃતિ હોવા છતાં તંત્ર દ્વારા અમોને પરવાનગી નહીં આપવી અને પ્લોટની ફાળવણી ન કરવી એ સરકારની હતાશા સૂચવે છે. શું ગુજરાતમાં જનતાને પ્રશ્ન પૂછવાનો, વિરોધ કરવાનો, શાંતિપૂર્ણ આંદોલન કરવાનો, સરકારની નીતિઓથી અસહમતિ દર્શાવવાનો અધિકાર પણ છીનવાઇ રહ્યો છે? જેથી અમને ઉપવાસ આંદોલનની પરવાનગી ના આપવી એ નામદાર સુપ્રીમ કોર્ટ અને બંધારણે આપેલ અધિકારનો ભંગ થયો ગણાશે.