અમદાવાદ: હાર્દિક પટેલના ઉપવાસના આઠમા દિવસે પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓ હાર્દિકની ઉપવાસ છાવણીની મુલાકાતે પહોંચ્યા હતા અને હાર્દિકને પોતાનો ટેકો જાહેર કર્યો હતો ત્યારે એસપીજીના લાલજી પટેલે પણ આજે હાર્દિક પટેલની રૂબરૂ મુલાકાત લઇ તેને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. સાથે સાથે લાલજી પટેલે ભાજપ સરકારને ખુલ્લી ચીમકી આપી હતી કે, જા પાટીદારોને અવગણશો(એવોઇડ કરશો) તો ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં સરકારે તેનું પરિણામ ભોગવવું પડશે. લાલજી પટેલની આ ચીમકી બાદ ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે. લાલજી પટેલે હાર્દિકને મજબૂત આંદોલનકારીઓની ટીમ બનાવવા પણ અનુરોધ કર્યો હતો.
આ પહેલા પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાર્દિકને મળીને ઉપવાસ સમેટી લેવાની વિનંતી કરી હતી. આજે સવારે જ હાર્દિક પટેલ જળગ્રહણ કરીને ઉપવાસ ચાલુ રાખ્યા હતા. તેના થોડા જ કલાકોમાં એકાએક પાટીદાર સંસ્થાઓના આગેવાનો હાર્દિકને મળવા પહોંચી જતાં ટૂંક સમયમાં હાર્દિકના આમરણાંત ઉપવાસનું સમાધન થઈ શકે છે તેવા સંકેતો જણાતા હતા, પરંતુ હાર્દિકે સ્પષ્ટ કર્યું હતું કે, તે તેની માંગણીઓ નહી સ્વીકારાય ત્યાં સુધી પોતાના આમરણાંત ઉપવાસ ચાલુ રાખશે. દરમ્યાન એસપીજીના કન્વીનર લાલજી પટેલે હાર્દિક પટેલની મુલાકાત બાદ જણાવ્યું હતું કે, ઉપવાસ આંદોલન મજબૂત કરવા એસપીજી, પાસ અને સમાજની અગ્રણી સંસ્થાઓ સાથે વાતચીત કરી હતી.
હાર્દિકની તબિયત લથડતા આજે રાહ જોયા વગર મળવા પહોંચ્યો હતો. મારી કાર રોકી હાર્દિક પાસે જતા અટકાવવાનો પ્રયાસ પણ થયો હતો. જા કે, હું સરકારને ચેતવવવા માંગું છું કે, જા પાટીદાર સમાજને એવોઇડ કરશો તો ૨૦૧૯માં તેનું પરિણામ ભોગવવું પડશે. હું હાર્દિજને કહી ચુક્યો છું કે એક મજબૂત આંદોલનકારીઓની ટીમ બનાવીએ. આંદોલન કરવા પોતાનું શરીર મજબૂત રાખવું જરૂરી છે, સરકાર સાથે લડવા યુવાનોએ પણ મજબૂત રહેવું જરૂરી છે.
આજે ઊંઝા ઉમિયા ધામના પ્રમુખ, તેમજ સીદસર સંસ્થાના પ્રમુખ જેરામ બાપા સહિત અન્ય સંસ્થાના આગેવાનો હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ છાવણીની મુલાકાતે પહોંચ્યા હતા. આ પ્રસંગે જેરામ બાપાએ જણાવ્યું હતું કે, સંસ્થામાં આંદોલનને સમર્થન કરવાનો ઠરાવ થયેલો છે. આંદોલનની માંગણીને લઇ અમે યુવાનોની સાથે સરકાર સાથે ચર્ચા કરીશું. આર્થિક માપદંડના ધોરણે વિચારવાની જરૂર છે. આંદોલન શરૂ થયું ત્યારથી મધ્યસ્થી તરીકે છું. અત્યાર સુધી કોઇ નક્કર નિર્ણય નથી થયો. સમાજના આગેવાનો મધ્યસ્થીનો પ્રયાસ કરે છે. ઝઘડો આંદોલનકારી અને સરકાર વચ્ચે છે. હાર્દિકે પાણીનો ત્યાગ કર્યો હતો એટલે તેને પાણી પીવડાવવા આવ્યા હતા. આનો સુખદ ઉકેલ આવે તેવો સંસ્થાનો ઉદ્દેશ છે અને સરકાર માંગણીઓ સ્વીકારી લે તેવી આશા વ્યકત કરીએ છીએ.