અમદાવાદ: પાસ કન્વીનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે આઠમો દિવસ હોઇ તેનું વજન સતત ઘટવા લાગ્યું છે અને સ્વાસ્થ્ય પણ કથળી રહ્યું છે. ત્યારે આજે સવારે હાર્દિકે તા.૩૦ અને ૩૧ ઓગસ્ટ એમ બે દિવસ સુધી જળ ત્યાગ કર્યા બાદ ગઢડા સ્વામિનારાયણ મંદિરના મહંત એસ.પી.સ્વામીની ભારે વિનંતીથી હાર્દિકે હઠાગ્રહ છોડી આખરે તેમના હાથે પાણી પીધું હતું. હાર્દિકે જળગ્રહણ કરતાં પાસના કાર્યકરોની આંખો એક તબક્કે ભીની થઇ ગઇ હતી. જો કે, હાર્દિકે સ્પષ્ટ કર્યું હતું કે, તેણે ભલે જળગ્રહણ કર્યું પરંતુ તે અન્નનો એક દાણો લેશે નહી અને તેના આમરણાંત ઉપવાસનું આંદોલન ચાલુ રહેશે. હાર્દિકના આમરણાંત ઉપવાસ આંદોલનની મક્કમતા જાઇ આ પહેલા ગઈકાલે સાંજે ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસ.પી. સ્વામી સહિતના આગેવાનોએ હાર્દિકને જળ ત્યાગ મૂકીને પાણી પીવાની સલાહ આપી હતી.
જો કે આમ છતાં હાર્દિક ટસનો મસ થયો નહોતો, અને તેના પર વિચારણા કરવાનો સમય માંગ્યો હતો. તો બીજી તરફ રાજ્ય સરકાર તરફથી હજુ સુધી કોઇ પણ પ્રકારનો પ્રતિભાવ મળ્યો નથી કે કોઈ અણસાર પણ ન હોવાથી આ લડત લંબાઈ શકે છે. જેના કારણે પાસના કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા જો લડત ચાલુ રાખવી હોય તો પાણી પીને ઉપવાસ કરવા ભારે દબાણ કરવામાં આવ્યું છે. એસ.પી.સ્વામીએ પણ આજે હાર્દિકને જળગ્રહણ કરવાની ભારે વિનંતી કરતાં આખરે હાર્દિકે તેમની વિનંતીને માન આપી સ્વામીના હાથે જ પાણી પીધું હતુ. હાર્દિક પટેલના વિજય સંકલ્પ આમણાંત ઉપવાસના આઠમા દિવસે તેને સમર્થન આપવા ગુજરાત સહિત દેશભરમાંથી અનેક લોકો એક પછી એક તેને મળવા અને તેના સમર્થનમાં આવી રહ્યા છે, ત્યારે આજે બપોરે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને રાષ્ટ્રીય નેતા મધુસુદન મિ†ી પણ હાર્દિકને મળવા પહોંચ્યા હતા અને તેની લડતને ન્યાયી ગણાવી હતી.
તેમની સાથે કોંગ્રેસના ધારાસભ્યો અને રાજ્યસભા સાંસદ હાજર રહ્યા હતા. દરમ્યાન ગઇકાલે જ હાર્દિકની તબિયત વધુ ખરાબ થઇ રહી હોવાના અણસાર શરૂ થતા પોલીસ અને ગુજરાત સરકાર ઉંઘતી ના ઝડપાઇ જાય એટલે પાસના અગ્રણી નિખિલ સવાણીએ લેખિતમાં સોલા પોલીસને હાર્દિકના ઉપવાસ સ્થળે ૨૪ કલાક એક એમ્બ્યુલન્સ તૈનાત કરવા જાણ કરાઇ હતી. જા કે, પાસની આ અરજી છતાં હજુ સુધી તંત્ર દ્વારા એમ્બ્યુલન્સ હાર્દિકના નિવાસ સ્થાને આવી નહીં હોવાનું પાસ દ્વારા જણાવામાં આવ્યું હતું.
બીજી બાજુ, સરકાર વહેલી તકે માગણીઓ સ્વીકારે અને હાર્દિકના સ્વાસ્થ્ય સારૂ રહે તેવી પ્રાર્થના સાથે તેના સમર્થનમાં અમદાવાદના વસ્ત્રાલમાં સવારે રામધૂનનો કાર્યક્રમ શરૂ કરાયો હતો. તે ઉપરાંત ઘૂમા, સુરેન્દ્રનગર, સુરત તથા સાબરકાંઠા, અરવલ્લી સહિતના અનેક ગામમાં પણ પાટીદારો અને ખેડૂતોના પ્રતિક ઉપવાસ-દેખાવો અને રામધૂનના કાર્યક્રમો યોજાયા હતા. હાર્દિકના સમર્થનમાં હવે ગામડે ગામડે મહિલાઓ પણ ઉતરી આવી હતી અને રામધૂનનો કાર્યક્રમ યોજી હાર્દિકને સમર્થન પૂરું પાડયું હતું, આમ હાર્દિકના ઉપવાસને હવે લોકસમર્થન મળી રહ્યું છે.