હાર્દિકે આખરે પારણા કર્યા પણ લડતને ચાલુ રાખવાની જાહેરાત

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

અમદાવાદ: ખેડૂતોની દેવામાફી અને પાટીદારોને અનામતની માંગણી સાથે પાટીદાર યુવા નેતા અને પાસના કન્વીનર એવા હાર્દિક પટેલે પાટીદાર સમાજની છ સંસ્થાઓના વડીલો અને આગેવાનોની ભારે સમજાવટ અને વિનવણી બાદ આખરે હાર્દિક પટેલે તેના ઉપવાસના આજે ૧૯ મા દિવસે પારણાં કર્યા હતા. જા કે, હાર્દિક પટેલે તેની માંગણીઓને લઇ લડત ચાલુ રહેશે તેવી સ્પષ્ટ જાહેરાત પણ કરી હતી. આજે હાર્દિક પટેલની ઉપવાસ છાવણીના સ્થળે ખોડલધામના નરેશ પટેલ અને ઉમિયાધામના પ્રહલાદ પટેલ અને સીકે પટેલના હસ્તે સાદુ પાણી, લીંબુ પાણી અને નારિયેળ પાણી પીને પારણાં કર્યા હતા. પારણાં બાદ હાર્દિકે કહ્યું હતું કે, પારણાં કર્યા તેનો મતલબ એ નથી કે, સરકાર સામે ઝુકયો છું. સરકાર નહીં પરંતુ વડીલોના આદર સામે ઝૂક્યો છું.

પહેલા ભગતસિંહ બનવા નીકળ્યા તો દેશદ્રોહી થઈ ગયા, ગાંધીજી બનીને નીકળ્યા તો નજરકેદ થઈ ગયા. હાર્દિકના ઉપવાસના સમર્થનમાં દેશભરમાંથી નેતાઓ, લોકો આવી રહ્યા હતા. પાટીદારો જ નહીં અન્ય સમાજનું પણ તેને સમર્થન મળી રહ્યું હતું, ત્યારે આજે હાર્દિકને પારણાં કરાવવા અને સમજાવવા માટે પાટીદાર સમાજની છ સંસ્થાઓના આગેવાનો અને વડીલો ઉપવાસ છાવણીએ પહોંચ્યા હતા અને હાર્દિકને ભારે વિનવણી કરી આખરે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ અને ઉમાધામના પ્રમુખ પ્રહલાદ પટેલના હસ્તે ૩-૦૦ વાગ્યે હાર્દિકને પારણાં કરાવાયા  હતા.

સમાજના આગેવાનોના હાથે પારણાં કર્યા બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે,  છેલ્લા ૧૯ દિવસથી હું ઉપવાસ પર બેઠો છું.   હું ૩ માંગણીઓ સાથે નિવાસ સ્થાને ઉપવાસ પર બેઠો હતો. અલ્પેશને ૩ વર્ષ બાદ ખોટા કેસમાં જેલમાં મોકલાયો. સમાજની મુખ્ય સંસ્થાઓએ વિનંતી કરી હતી. સમાજનાં આગેવાનોની પારણા કરવાની સતત માંગ હતી. જેને લઇ આજે મેં સમાજનાં કહેવા મુજબ પારણાં કર્યાં છે. આજે મેં મારા ઉપવાસ તોડ્‌યાં છે. શરમ મને નહીં, સરકારને આવવી જોઈએ. ખેડૂતોનાં માથે દેવું છે તેની ચિંતા સરકારને નથી. જીવીશું તો જીતીશું એ મુદ્દે મેં ઉપવાસ તોડ્‌યાં છે. ભાજપને ખેડૂતોનાં દેવા માફીની ચિંતા નથી. ખાતરમાં વધારો છતાં સરકાર ચિંતિત નથી. સરકાર લોકોનાં પ્રશ્નોને લઈને ગંભીર જ નથી.

પોલીસે કાયદા અને મર્યાદાની વિરૂદ્ધ જઈને કામ કર્યું છે. લોકોએ સરકારની સદબુદ્ધી માટે રામધૂન બોલાવી. આ લડાઈ લક્ઝુરીયસ કારવાળાઓ માટે નહીં ટ્રેક્ટરવાળાઓ માટે હતી. ખેડૂતોનાં મુદ્દાઓથી ભટકાવવાનું કામ સરકારે કર્યું. અંગ્રેજો જેવું શાસન જોવું હોય તો ગુજરાતમાં આવો. અમે લોકો હિંસાનાં માર્ગે નથી. ખેડૂતોનાં મુદ્દાઓ માટે હવે હું ગામડે ગામડે જઈશ. ખેડૂતોની મુશ્કેલીઓને હું સમજી શકું છું. આ લડાઈ લોકક્રાંતિનાં માર્ગે છે. લોકક્રાંતિનાં નારા સાથે ખેડૂતોનું આહ્વાન કરૂ છું. આ અનામત કે ખેડૂતો માટેની લડાઈ નથી રહી. લોકશાહી બચાવવાની આ લડાઈ બની ગઈ છે. ગાંધી અને સરદારનું ગુજરાત તાનાશાહી શાસનવાળું રાજ્ય બન્યું. હવે ઘરે ઘરે લોકક્રાતિનાં નારાની જરૂર છે. સરકારે સાબિત કરી દીધું છે કે પાટીદાર સમાજની તેમને જરૂર નથી. ગુજરાતનાં ખેડૂતોએ હજુ જાગૃત થવાની જરૂર છે. આંદોલન હવે દેશવ્યાપી બનશે. પાટીદાર સમાજ વધુ મજબૂત બન્યો. સમગ્ર ગુજરાતમાંથી ઘણા બધા લોકો મારી સાથે ઉપવાસ પર બેઠા હતા. ગમે તેવો દીકરો કેમ ન હોય પણ સમાજના વડીલો ને ચિંતા થતી હોય. છ સંસ્થાઓના અગ્રણીઓએ વિનંતી કરી કે જીવીશું તો લડીશું લડીશું તો જીતીશુંના મુદ્દા સાથે આજે બધા મિત્રોએ મને પારણાં કરાવવા માટે આવ્યા છે.

તમામ લોકોનું હું સ્વાગત કરું છું. રાજયના સવા ચાર કરોડ ખેડૂતોની સરકારને કોઇ ચિંતા નથી, સરકારે વાટાઘાટો માટે નહી આવીને સાબિત કરી દીધુ કે, સરકારને ખેડૂતોની કોઇ પરવા કે ચિંતા નથી. દરમ્યાન નરેશ પટેલે હાર્દિકના પારણાં કરાવ્યા બાદ જણાવ્યું હતું કે, હાર્દિકના પારણાંથી મને ખૂબ આનંદ થયો છે. હાર્દિક હશે તો બધું થશે. આજે અમે છીએ કાલે અમે નહીં હોઇએ. આવનારા સમયમાં સંગઠન અને જવાબદારી તમારા ખભે આવવાની છે. તૈયાર રહેજો આજની પરિસ્થિતિ કંઈ પણ હોય આવનારી પરિસ્થિતિનો સામનો મોટો પાયે તમારે કરવાનો રહેશે. તો, સી.કે.પટેલે ચેતવ્યા હતા કે, સમજીને ચાલજો, તમારી વચ્ચે આવીને કોઈ ભાગ ન પડાવી જાય, ખોટા માર્ગે ન દોરી જાય. સંગઠિત રહેજો અને સાથે રહેજો. હાર્દિકે પાટીદાર સમાજ માટે ખૂબ જ મહેનત કરી છે અને તેની આ મહેનત નિષ્ફળ નહીં જાય તેવી હું મા ખોડલથી પ્રાર્થના કરું છું.

Share This Article