અમદાવાદ: પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફી માટે છેલ્લા ૧૧ દિવસથી ચાલી રહેલા પાસના કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો મામલો રાજયવ્યાપીને બદલે હવે રાષ્ટ્રવ્યાપી બને તે પહેલાં રાજય સરકારે આજે સમાધાનકારી પ્રયાસો આદર્યા હતા અને તેના ભાગરૂપે આજે પાટીદાર સમાજની છ મુખ્ય સંસ્થાઓના મોવડીઓ સાથે ઉપવાસ આંદોલનને લઇ મહત્વની બેઠક યોજી હતી. જા કે, બે કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠક આખરે પરિણામ વિનાની અને અનિર્ણત રહી હતી. જેને પગલે હાર્દિકના ઉપવાસ આંદોલનનું કોકડું હજુ ગૂંચવાયેલું જ રહ્યું છે.
આ તમામ ઘટનાક્રમ વચ્ચે હાર્દિકે ફરી એકવાર હુંકાર કર્યો હતો કે, જયાં સુધી સરકાર દ્વારા માંગણીઓ નહી સંતોષાય ત્યાં સુધી તેના આમરણાંત ઉપવાસ ચાલુ રહેશે. બીજીબાજુ, રાજય સરકાર અને પાટીદાર સંસ્થાઓના મોવડીઓ દ્વારા બેઠક સકારાત્મક હોવાનો દાવો કર્યો હતો પરંતુ વાસ્તવિકતા એ હતી કે, બેઠકનું પરિણામ શૂન્ય રહ્યુ હતું. હાર્દિકના ઉપવાસ આંદોલન બાદ સર્જાયેલી રાજકીય કટોકટી જેવી પરિÂસ્થતિનો અંત લાવવા માટે સરકારે પાટીદાર સમાજની છ સંસ્થાઓના મોવડીઓને મધ્યસ્થી બનવા અનુરોધ કરી તેમની સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
જેમાં મંત્રી સૌરભ પટેલ, કૌશિક પટેલ અને પ્રદિપસિંહ જાડેજા સહિતના સરકારના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા તો, બીજીબાજુ, પાટીદાર સમાજની છ અગ્રણી સંસ્થાઓ- ઉમિયા માતા સંસ્થાન (ઊંઝા), ખોડલધામ (કાગવડ), ઉમિયા માતા મંદિર ટ્રસ્ટ (સિદસર), વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન (અમદાવાદ), શ્રી સરદારધામ (અમદાવાદ) અને સમસ્ત પાટીદાર સમાજ (સુરત)ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. દરમ્યાન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સી કે પટેલે જણાવ્યું હતું કે, સરકાર સાથે સમાજનાં આગેવાનોની બેઠક થઇ. સમાજનાં મુદ્દાઓને લઇને સરકાર સાથે ચર્ચા થઇ. સરકાર પાટીદાર સમાજનાં મુદ્દાઓને લઇને ચિંતિત છે. સરકારનો અભિગમ સકારાત્મક છે. સરકારને હાર્દિકની પણ ચિંતા છે. હાર્દિકે પોતાની તંદુરસ્તીની ચિંતા કરવી જોઇએ. હાર્દિકે પારણાં કરી લેવાં જોઇએ એવી સરકારની લાગણી છે.
અનામતને લઇને સરકાર સાથે વિશેષ ચર્ચા થઇ છે પરંતુ આ મુદ્દાને લઇ હજુ વધુ અને ઉંડી ચર્ચા સરકાર સાથે કરવામાં આવશે. પાટીદાર સંસ્થાઓની સરકાર સાથેની બેઠકમાં કોઇ નક્કર ઉકેલ આવ્યો નથી. કોઈ મુદ્દાની સ્પષ્ટતા વિના સરકાર અને સંસ્થાઓની બેઠક પૂર્ણ થઇ છે. બે કલાકથી વધુ ચાલેલી બેઠકમાં કોઇ ચોક્કસ સમાધાન ન આવ્યું. સરકાર અને સંસ્થાઓની બેઠકમાં કોઈ સમાધાન હાલ તો નીકળ્યું નથી. બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા થઇ પણ અનામત માટેનું વલણ સ્પષ્ટ થયુ નથી. હાર્દિક સિવાય સમાજ પાસે પણ મુદ્દા છે. આ સમગ્ર મામલે સંસ્થાનાં પ્રતિનિધિઓ હાર્દિક સાથે ચર્ચા કરશે. અમારી લાગણી છે કે હાર્દિક પારણાં કરી લે. હાર્દિકનાં માણસોએ જ મધ્યસ્થી માટેની જવાબદારી આપી. સરકારની વાત પણ હાર્દિક સમક્ષ રાખીશું. સૌનો પક્ષ અને ઇચ્છા જાણ્યા બાદ આગળની રણનીતિ અમલમાં મૂકાશે.