અમદાવાદ: પાસના કન્વીનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનાં નવમા દિવસે આજે તેના સમર્થનમાં ખુદ ભાજપ સરકારનાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા ઉતરી આવતાં ભાજપ અને સરાકરની છાવણીમાં ભારે ચર્ચા ચાલી હતી. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ કેબિનેટનાં મંત્રી કુંવરજી બાવળીયાએ હાર્દિકનાં સમર્થનમાં નિવેદન આપ્યું હતુ અને તેમણે હાર્દિકની પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફીની માંગને યોગ્ય ગણાવી હતી. કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયાના સમર્થનને લઇ પાટીદારોમાં ખુશીની લાગણી ફેલાઇ હતી અને તેઓએ બાવળિયાના સમર્થનને આવકાર્યું હતું. તો બીજીબાજુ, સરકાર અને ભાજપના વર્તુળોમાં આ નિવેદનને લઇ છૂપો ગણગણાટ શરૂ થઇ ગયો છે.
જા કે, બાવળિયાના નિવેદનને લઇ પાસના અગ્રણીઓ તરફથી ગંભીર અને તીખી પ્રતિક્રિયા આવી હતી. હાર્દિકના સાથી મનોજ પનારાએ બાવળિયના નિવેદનને રાજકીય સ્ટંટ ગણાવતા જણાવ્યું હતું કે, કુંવરજીભાઇનું આ નિવેદન રાજકીય છે. તેમના વિસ્તારમાં ચૂંટણી આવી રહી છે અને તેથી તેમણે આવું નિવેદન કર્યું છે. એક સમયે બાવળિયા પોતે ખેડૂત નેતા હતા પરંતુ હવે પ્રજા તેમને ઓળખી ગઇ છે. હાર્દિકને જા મળવું હોય તો પોલીસ હટાવીને કુંવરજીભાઇ ખુલ્લા પગે આવી શકે છે. આજે ભાજપ સરકારના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ હાર્દિકનાં ઉપવાસને સરકાર માટે ગંભીર મુદ્દો ગણાવ્યો છે અને બાવળીયાએ નિરાકરણ લાવવા માટે પ્રયાસો કરવાની પણ વાત કરી છે.
ભાજપ સરકારનાં મંત્રીનાં નિવેદનથી ઉપવાસ મામલે હકારાત્મક સંકેતો મળી રહ્યાં છે. આજનાં હાર્દિકનાં નવમા દિવસનાં ઉપવાસને લઇ હાર્દિકને રાજય સરકારનાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ સમર્થન આપતાં નિવેદન આપતાં જણાવ્યું કે બાવળીયાએ અનામત અને દેવા માફીની માંગને યોગ્ય ગણાવી છે. તેમજ રાજ્ય સરકાર માટે આ એક ગંભીર મુદ્દો ગણાવ્યો છે. હાર્દિક જે ઉપવાસ કરી રહ્યો છે તેનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરવામાં આવે તેવી મારી ઈચ્છા છે. બાવળિયાના નિવેદનને લઇ ભાજપ-સરકારની છાવણીમાં ગણગણાટ શરૂ થયો છે પાસના નેતાઓ અને આગેવાનોએ પણ બાવળિયાના નિવેદનને એક રાજકીય ચાલ ગણાવી છે.