અમદાવાદ: પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવાં માફીને લઇ પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વીનર હાર્દિક પટેલે આવતીકાલથી આમરણાંત ઉપવાસની જાહેરાત કરી છે. ઉપવાસ અંગેની પોલીસે મંજૂરી આપી નથી. જેથી હાર્દિક પટેલે હવે વૈષ્ણોદેવી ગ્રીનવૂડસ પાસે આવેલા પોતાના છત્રપતિ નિવાસમાં ઉપવાસ કરવા નિર્ણય જાહેર કર્યો છે ત્યારે સમગ્ર રાજયમાં હાર્દિકના આવતીકાલથી શરૂ થઇ રહેલા ઉપવાસ આંદોલનને લઇ ભારે ઉત્તેજના અને અજંપાભર્યો માહોલ પ્રવર્તી રહ્યો છે.
બીજીબાજુ, રામોલ કેસમાં હાર્દિક પટેલના કેસમાં ચુકાદો હવે સોમવાર પર ટળતાં હાર્દિકને ત્યાં સુધી તો રાહત થઇ છે. બીજી તરફ હાર્દિક પટેલના રામોલના કેસમાં જામીન રદ કરવા માટે રાજય સરકાર દ્વારા કોર્ટમાં અરજી કરાઇ છે તેને લઇને ચુકાદો હવે સોમવારે આવે તેવી શક્યતા છે. આવતીકાલનાં ઉપવાસની જાહેરાતને લઇ પોલીસે હાર્દિક પટેલના નિવાસ સ્થાને વોચ ગોઠવી છે. હાર્દિકને સમર્થન આપવા આવી રહેલા ૧૫ જેટલા પાસના કાર્યકરો-અગ્રણીની રાજકોટ ખાતે પોલીસે અટકાયત કરી છે. હાર્દિક પટેલના આમરણ ઉપવાસને લઇ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન વણસે તેને લઇ પોલીસ આજથી જ એલર્ટ થઇ ગઇ છે.
હાર્દિક પટેલે ઉપવાસની જાહેરાત કરી ત્યારે જ ગમે તે ભોગે ઉપવાસ કરવાની તેણે તૈયારી બતાવી હતી. હાર્દિક પટેલ આવતીકાલે ઉપવાસ કરે તે પહેલાં જ તેની ધરપકડ કરાય તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે. તા.૧૯ ઓગસ્ટના રોજ એક દિવસના પ્રતીક ઉપવાસની પણ તેણે જાહેરાત કરી હતી જેમાં ઉપવાસ કરે તે પહેલાં તેની અટક કરી લેવાઇ હતી. આવતીકાલના ઉપવાસ માટે પણ પોલીસની મંજૂરી મળી શકી નથી જેથી આવતી કાલે પણ ઉપવાસ પહેલાં તેની અટકાયત કરવામાં આવે તેવી શક્યતા છે. હાર્દિક પટેલની જો અટકાયત કરવામાં આવે તો તા.૧૯, ઓગસ્ટના રોજ અટકાયત બાદ સુરત સહિતના શહેરોમાં જે રીતે વિરોધ અને તોડફોડના બનાવો બન્યા હતા તેવી પરિસ્થિતિ આવતીકાલે ન સર્જાય તે માટે પોલીસ તંત્રને આજથી જ એકદમ અલર્ટ પર રખાયું છે. રાજ્યના તમામ પોલીસકર્મીઓની રજા રદ કરી દેવાઇ છે.
શહેરનાં નિકોલ, રામોલ સહિતના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અત્યારથી જ પોલીસ પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે. જો આવતીકાલે હાર્દિક પટેલની અટકાયત કરાશે તો તે જેલમાં ઉપવાસ કરશે તેવી જાહેરાત તેણે અગાઉ કરી છે. જ્યારે બીજી તરફ હાર્દિક પટેલની ધરપકડ કરાશે તો પાસના અન્ય નેતાઓ અલગ અલગ જગ્યાએ ઉપવાસ કરશે તેવું પાસનાં સૂત્રોએ જણાવ્યું હતું. હાર્દિક પટેલની અટકાયત કે ધરપકડ થાય તો રાજયમાં વાતાવરણ તંગ બને અને પાટીદારો દ્વારા આક્રમક પ્રત્યાઘાત સર્જાય તેવી ચર્ચાએ પણ જોર પકડયું છે.