હાર્દિક તેમજ ખોડલધામના નરેશના મતે આંદોલન પૂર્ણ

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

અમદાવાદ : પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરીયાને જેલ મુક્ત કરવાની માંગણી સાથે આજે દિનેશ બાંભણીયાએ રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાસના કાર્યકરો હાજર રહ્યા હતા. દરમ્યાન હાર્દિક પટેલની હાજરીમાં રાજકોટમાં ખોડલધામ સંસ્થાના સરદાર પટેલ ભવન ખાતે બેઠક યોજાઇ હતી. જા કે, અનામત આંદોલનના મામલે પાટીદાર આગેવાનોના સ્પષ્ટ મતભેદ સામે આવ્યા હતા. હાર્દિક પટેલ અનએ ખોડલધામના નરેશ પટેલ દ્વારા એક તબક્કે પાટીદાર અનામત આંદોલનને પૂર્ણ થયાનું ગણાવાયું હતું. તો, બીજી તરફ એસપીજીના લાલજી પટેલ અને કોંગ્રેસના ગીતાબહેન પટેલે હજુ અનામત આંદોલન ચાલુ હોવાનું જણાવ્યું હતુ.

જેને લઇ સમગ્ર મામલો ગરમાયો હતો. પાછળથી હાર્દિક પટેલે પણ સ્પષ્ટતા કરી હતી કે, જયાં સુધી પાટીદારો સામેના તમામ કેસો પાછા નહી ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.  બેઠક પહેલા રાજકોટ આવેલા હાર્દિકે જણાવ્યું હતું કે, સમાજના આગેવાનોએ જવાબદારી સ્વીકારી છે. બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો જેમાં બે ખોડલધામ, બે ઉમિયાધામ અને બે પાસના મળી ૬ સભ્યોની કમિટી રચાશે. બેઠક બાદ નરેશ પટેલે જણાવ્યું હતું કે, આવતા અઠવાડીયે કમિટી બનાવી સરકારમાં વાત મુકીશું. આ બેઠકનો મુખ્ય મુદ્દો અલ્પેશ કથિરીયાની જેલમુક્તિ અને અન્ય પાટીદાર યુવાનો પર થયેલા કેસ પર ચર્ચા કરવાનો જ હતો. આ મુદ્દો કોર્ટ મેટર છે પરંતુ કાયદાની પ્રક્રિયાને ધ્યાને લઇ સરકાર કંઇ રીતે યુવાનોને છોડવામાં મદદરૂપ થાય તેની ચર્ચા કરાશે. સમાજનો દીકરો જેલમાં છે. આ પહેલા પણ મારો આ મુદ્દે લીડ રોલ હતો. જરૂર પડે ત્યાં હું ફરી ઉભો રહીશ. બેઠકને લઇ મને કોઇ પક્ષના રાજકીય નેતાઓના ફોન આવ્યા નથી. સંભવત આવતા અઠવાડીયે કમિટી બની જાય તો તરત જ સરકાર સમક્ષ વાત મુકીશું.

નરેશ પટેલે સ્પષ્ટ કર્યું હતુ કે, એક સમયે અનામત આંદોલન હતું હવે મને તેનું કોઇ અસ્તિત્વ દેખાતું નથી. આમ કહી નરેશ પટેલે એક રીતે આંદોલનને પૂર્ણ ગણાવ્યું હતું. તો હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અનામત આંદોલનના કેસો થયા છે તે મુદ્દે ચર્ચા કરીશું. ચૂંટણી પહેલા જે રીતે કેસો કર્યા હતા અને પછી કેસ પાછા ખેચવાની વાતો કરી હતી તે કંઇ થયું નથી. મારી પર ૨૮ કેસ છે. જે સિવાય નાના-મોટા કેસ પાટીદાર યુવાનો પર થયા છે. પ્રચાર છોડી આજે જવાબદારી નિભાવવા આવ્યો છું. રાજદ્રોહ જેવા કેસમાં અમારા જેવા યુવાનોને જેલમાં ધકેલી દબાવી દેવામાં આવે છે.

આગામી સમયમાં ગુજરાતમાં ખોટી વાતો પર કોણ લડશે. આજે ૧૬ જવાનો શહીદ થયા છે. તે ખૂબ દુખની વાત છે. કોઇ પણની સરકાર હોય ભાજપ હોય કે કોંગ્રેસ સાથે રહી આનું નિરાકરણ લાવવું જોઇએ. આંદોલનને લઇ હવે રાજકારણ કરવું યોગ્ય નથી. જા કે, હાર્દિકે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે, જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા ૧૦ ટકા અનામત બાબતે સુપ્રીમ કોર્ટ નિર્ણય નહીં આપે અને તમામ આંદોલનકારી ઉપરથી કેસો પાછા નહીં ખેંચાય ત્યાં સુધી શાંતિપ્રિય રીતે આંદોલન ચાલુ રહેશે. અનામત આંદોલન નરમ પડ્‌યું છે, બંધ નથી થયું. તો, અલ્પેશ કથિરીયાની મુક્તિને લઈને દિનેશ બાંભણિયા અને હાર્દિક પટેલ વિરોધાભાસી નિવેદનો સામે આવ્યા હતા. દિનેશ બાંભણિયાએ અલ્પેશની મુક્તિ માટે સરકાર પર દબાણની વાત કરી હતી. તો હાર્દિક પટેલે ન્યાયીક તપાસમાં કોઈ દખલગીરી ન કરી શકે તેવું કહીને અલ્પેશની મુક્તિના પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું. બેઠકમાં આવેલા લલિત કગથરાએ કહ્યું હતું કે, આ સરકાર દેશદ્રોહની કલમનો ૧૪૪ની જેમ ઉપયોગ કરી રહી છે, નિર્દોષ યુવાનને જેલમાં ગોંધી રાખ્યો છે તેની માનસિકતાનું શું? યુવાધનને ક્યાં લઇ જવા માંગે છે સરકાર તે સમજાતું નથી. બીજી તરફ એસપીજીના લાલજી પટેલ અને કોંગ્રેસના ગીતાબહેન પટેલે હજુ અનામત આંદોલન ચાલુ હોવાનું જણાવ્યું હતુ.

Share This Article