અમદાવાદ : આજે કોંગ્રેસના હાર્દિક પટેલને લઇને ગુજરાતની રાજનીતિમાં રાજકારણ જારદાર રીતે ગરમાયું હતું. આજે હાર્દિકને જાહેરમાં લાફો પડ્યો હતો. હાર્દિકને તરૂણ ગજ્જર નામના વ્યક્તિએ સ્ટેજ પર ચઢીને લાફો માર્યો હતો. ત્યારબાદ લાફો મારનાર તરૂણ ગજ્જને ઢોર માર મારવામાં આવ્યો હતો, અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાર્દિક પટેલને લાફો મારનાર વ્યક્તિ તરૂણ ગજ્જર તો બીજા સમાજનો હતો, તો પછી તેને હાર્દિકને લાફો કેમ માર્યો તે સવાલને લઇ અનેક તર્ક વિતર્ક અને અટકળો ચાલ્યા હતા. જા કે, હોસ્પિટલમાં જ્યારે પોલીસે તરૂણ ગજ્જર સાથે વાતચીત કરી ત્યારે તેને મોટા ખુલાસા કર્યા હતા અને જણાવ્યું હતું કે, હાર્દિકના આંદોલન વખતે તેની પત્ની અને ત્યારબાદ તેના બાબાની તબિયતને લઇ તે બહુ હેરાન થયો હતો અને બહુ તકલીફો અને મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, તેનો ભારોભાર આક્રોશ હતો, તેથી વ્યકિગતગત રીતે તેણે આ પગલું ભર્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.
હાર્દિકને થપ્પડ મરાયાની સમગ્ર ઘટના બાદ સુરેન્દ્રનગર એસપીએ એક પત્રકાર પરિષદ કરી આ મામલે ખુલાસા કર્યા હતા. પોલીસ જ્યારે તરૂણ ગજ્જરને આ ઘટના વિશે પુછપરછ કરી રહી હતી ત્યારે તેણે પોલીસ સમક્ષ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. પોલીસે તરૂણને હાર્દિકને લાફો મારવાનું કારણ પુછ્યું તો, તેણે કહ્યું હતું કે, હાર્દિક પટેલે તેના સમાજ માટે સારા કામ કર્યા છે. હાર્દિકની જ્યારે ૨૦૧૫માં અમદાવાદમાં અનામત માટે મોટું આંદોલન કર્યું હતું, ત્યારે મારી પત્ની પ્રેગ્નેટ હતી. હાર્દિકના આંદોલનના કારણે મારી ગર્ભવતી પત્ની સાથે હું ઘણી વખત હેરાન થયો છું. મારી પત્નીની દવા ચાલતી હતી, એક બાજુ હાર્દિકના આંદોલનના કારણે મારી પત્નીને મિસ કેરેજ થતું થતું રહી ગયું હતું. આટલું જ નહીં, મારી પત્નીએ બાળકને જન્મ આપી દીધા બાદ મારો બાબો બિમાર હતો. તેને દવાખાના લઇ જવાનો હતો. પરંતુ હાર્દિકના અવાર નવારના આંદોલનના કારણે અમે ખુબ હેરાન થતા હતા.
હાર્દિકના આંદોલનના કારણે અનેક વખત સામાન્ય લોકોને તકલીફ પડી છે, તેણે અનેક વખત ગુજરાત બંધના એલાનના પગલે લોકોને મુશ્કેલીમાં મૂકયા હતા. હાર્દિકે તેના સમાજના ૧૪ છોકરાઓને આંદોલનમાં સાથે રાખી તેમને શહીદ કરાવ્યા, ત્યારબાદ તેને ૧૪ છોકરાઓ પર રાજનીતિ રમી હતી. હાર્દિકના આંદોલન કડી અને કલોલમાં પણ ખુબ થતા હતા. જેનાથી આમ પબ્લીક હેરાન થતી હતી. હાર્દિકના કારણે મારો જીવ જતા જતા પણ બચી ગયો હતો. એક વખત મને કલોલ પહોંચતા બે કલાકનો સમય થયો હતો, જ્યારે એક વખત અમદાવાદ પહોંચતા ત્રણ કલાક થયા હતા. હાર્દિકના આંદોલનના કારણે આખા રાજ્યમાં કર્ફ્યું મૂકાતો હતો, જેના કારણે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવામાં તકલીફ પડતી હતી. હાર્દિક હજી તો બાળક છે, પરંતુ અનામત આંદોલનના કારણે તે પોતાની જાતને મોટો હિટલર માની બેઠો હતો. તેના સમાજમાં ઘણા મોટા આગેવાનો હોવા છતાં તે પોતાની જાતને મોટો નેતા માની બેઠો હતો. હાર્દિકે પોતાના આંદોલનથી માત્ર રાજકીય રોટલો શેક્યો છે, તેને સમાજના બાળકોને ગેરમાર્ગે દોરીને ખોટા રસ્તે લઇ ગયો છે. જેના કારણે મને હાર્દિક પર ખુબ ગુસ્સો હતો. જેના કારણે આજે મને મોકો મળતા તે ગુસ્સો મેં તેની પર ઉતાર્યો હતો.