નવી દિલ્હી : કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને આજે સુપ્રીમ કોર્ટે મોટો ફટકો આપ્યો હતો. હાર્દિક પટેલે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને પડકાર ફેંકીને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સાથે સાથે તરત સુનાવણી કરવાની માંગ કરી હતી. જા કે હવે સુપ્રીમ કોર્ટે તરત સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો છે. ગુજરાત હાઇકોર્ટે હાર્દિક પટેલના ચૂંટણી લડવા પર સ્ટે મુકી દીધો હતો. ૨૯મી માર્ચના દિવસે હાર્દિક પટેલ પર રમખાણો ભડકાવવાના મામલે ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો.
વર્ષ ૨૦૧૮માં કોર્ટે પાટીદાર નેતા હાર્દિક પટેલને દોષિત ઠેરવીને બે વર્ષની સજા કરી હતી.આગામી લોકસભા ચૂંટણી લડી શકાય તે હેતુથી હાર્દિક પટેલે સુપ્રીમકોર્ટમાં મહત્વની પિટિશન દાખલ કરી હતી. અગાઉ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એ.જી.ઉરેઝીએ હાર્દિક પટેલની અરજી આકરા વલણ સાથે ફગાવતાં લોકસભાની આગામી ચૂંટણીમાં હાર્દિક પટેલ પોતાની ઉમેદવારી ના કરી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. હાઇકોર્ટે હાર્દિક પટેલને દોષિત ઠરાવતાં ટ્રાયલ કોર્ટના હુકમને યોગ્ય અને વાજબી ગણાવ્યો હતો.
આમ, હાર્દિક દોષિત બરકરાર રહેતાં લોક પ્રતિનિધિત્વ ધારા અને ચૂંટણી માર્ગદર્શિકાના નિયમો મુજબ, આગામી લોકસભા ચૂંટણી નહી લડી શકે. જા કે, ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદા સામે હાર્દિક પટેલ દ્વારા સુપ્રીમકોર્ટમાં અરજન્ટ પિટિશન મુવ કરાઇ હતી. વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના કેસમાં ટ્રાયલ કોર્ટે તેને બે વર્ષની સજા ફટકારી હતી. સજાના આ હુકમને પડકારતી અપીલમાં કોર્ટે તેની બે વર્ષની સજા પર તો સ્ટે આપ્યો છે, પરંતુ તેને દોષિત ઠેરવતા આદેશ પર કોઈ સ્ટે આપ્યો નથી. જેના કારણે તેને લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી કરવામાં મુશ્કેલી ઉભી થઇ શકે છે.