અમદાવાદ: પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવામાફીની માંગણી સાથે ગઇકાલથી ઉપવાસ પર ઉતરેલા પાસના કન્વીનર અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે બીજા દિવસ હતો અને આજે રવિવારની સાથે સાથે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર પાટીદાર સમાજ સહિતની બહેનો ખૂબ મોટી સંખ્યામાં પોતાના વ્હાલસોયા ભાઇ હાર્દિક પટેલને રાખડી બાંધવા માટે ઉમટી હતી.
હાર્દિકના નિવાસસ્થાને ખૂબ મોટી સંખ્યામાં ઉમટેલી બહેનોએ હાર્દિકને માથે તિલક કરી, આરતી ઉતારી તેને ભારે હેત સાથે રાખડી બાંધી હતી અને તેને હૃદયપૂર્વકના આશીર્વાદ આપ્યા હતા. હાર્દિકની બહેન મોનીકા પટેલે પોતાના વ્હાલસોયા ભાઇ હાર્દિકને પ્રેમપૂર્વક રાખડી બાંધી હતી અને જયાં સુધી પાટીદારોને અનામત ના મળે તેમ જ રાજયના ખેડૂતોની દેવામાફી ના થાય ત્યાં સુધી તેના ભાઇને લડવાની ભગવાન શકિત આપે તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી. હાર્દિકના નિવાસસ્થાન ખાતેના ઉપવાસ સ્થળે આજે એક તબક્કે રક્ષાબંધનના તહેવારને લઇ એક તબક્કે લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા હતા. હાર્દિકના ઉપવાસ હોઇ તેની બહેન મોનીકાબહેન પટેલ અને અન્ય બહેનો દ્વારા મોં મીઠુ કરાવવાનો પ્રયાસ કર્યો પરંતુ હાર્દિકે ઉપવાસ હોઇ મોં મીઠુ કરવાનું ટાળ્યું હતું. પરંતુ હાર્દિકે તેને રાખડી બાંધવા આવેલી તમામ બહેનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને પોતાની બહેનોને સુખી કરવા ભગવાનને પ્રાર્થના કરી હતી.
હાર્દિકના ઉપવાસના આજના બીજા દિવસે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પાટીદાર બહેનો રાખડી બાંધવા આવી હતી. ગુજરાતભરમાંથી આવેલી બહેનોએ હાર્દિકને રાખડી બાંધીને રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી હતી. હાર્દિકના ઉપવાસના આજના બીજા દિવસે રાજયના ઉપલેટા , ધોરાજી , ધ્રાંગધ્રા , ઊંઝા , ભાણવડ અને ચાણસ્મા સહિતના પંથકોમાંથી પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા. જા કે, હાર્દિક પટેલે રાજયના કોઇપણ ક્ષેત્રના પાટીદારોને ઉપવાસ આંદોલનમાં જાડાવા કે હાજર રહેવા ખુલ્લી છૂટ આપી હતી. દરમ્યાન બીજીબાજુ, હાર્દિક પટેલના વિજય સંકલ્પ આમણાંત ઉપવાસને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનું સમર્થન મળ્યું છે. મમતા બેનર્જીના ડેલિગેશનના રૂપમાં પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદી સહિત ટીએમસીના ચાર સાંસદો હાજરી આપે તેવી શકયતા છે. હાલમાં સમગ્ર રાજ્યભરમાં સલામતી અને શાંતિ જળવાય રહે તે માટે તમામ જિલ્લાઓમાં પોલીસ એલર્ટ પર રખાઇ છે.
આ સાથે અમુક જિલ્લાઓમાં ૧૪૪ લાગુ કરી દેવાઈ છે. અમદાવાદ શહેરના પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં એસઆરપી અને પોલીસ ફોજ પણ ઉતારી દેવામાં આવી છે. જા કે, પોલીસ અને સરકારના તમામ પ્રયાસો વચ્ચે હાર્દિક પટેલ તેના આમરણાંત ઉપવાસ પર મક્કમ છે. આજે બીજા દિવસે સોલા સિવિલના ડોકટરોની ટીમ દ્વારા હાર્દિક પટેલનું મેડિકલ ચેક અપ કરવામાં આવ્યું હતું. જેમાં હાર્દિકના બ્લડ પ્રેશર, પલ્સ અને સુગર નોર્મલ આવ્યા હતા. જા કે, હાર્દિકના વજનની સરખામણીમાં સાંજ સુધીમાં તેના બ્લડપ્રેશર ઘટે તેવા અણસાર જણાતાં ડોકટરોની ટીમ દ્વારા હાર્દિકને લીકવીડ લેવાની સલાહ પણ આપી હતી. દરમ્યાન આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોઇ હાર્દિકને રાખડી બાંધવા તેના નિવાસસ્થાને આવેલી પાટીદાર સમાજની બહેનોએ આંદોલનમાં જાડાયેલા અન્ય પાટીદાર ભાઇઓને પણ રાખડી બાંધી હતી અને તેમની લડતની સફળતાની શુભકામના પ્રાર્થના પાઠવી હતી. દરમ્યાન આજે રક્ષાબંધનના તહેવાર નિમિતે હાર્દિકની ઉપવાસ છાવણીમાં સાંજે ૭-૩૦ વાગ્યે પાટીદાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી અને તેમના બલિદાનને યાદ કરાયું હતું. આ વખતે જય પાટીદાર, જય સરદારના નારા લાગ્યા હતા.