અમદાવાદ : પાટીદાર અનામત આંદોલનથી ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ ચહેરો બનેલો હાર્દિક પટેલ આખરે કોંગ્રેસમાં જોડાઈ ગયો છે. અમદાવાદ ખાતે કોંગ્રેસ મહાસમિતિની (સીડબલ્યુસી) બેઠક પ્રસંગે વિધિવત્ રીતે હાર્દિકનો કોંગ્રેસમાં પ્રવેશ થયો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાર્દિક પટેલને ખેસ પહેરાવી તેને કોંગ્રેસમાં આવકાર આપ્યો હતો. કોંગ્રેસમાં જાડાયા બાદ હાર્દિક પટેલે અડાલજ ત્રિમંદિર ખાતેની વિશાળ જનસભાને સંબોધતા પોતાના ભાષણમાં ભાજપ અને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને એક તબકકે વડાપ્રધાન મોદીને લઇ ચોકીદાર ચોર છે..ના નારા ઉપસ્થિત જનસમૂહ પાસે લગાવડાવ્યા હતા. બીજીબાજુ, હાર્દિક પટેલ કોંગ્રેસમાં જાડાતાં પાટીદારોમાં આંતરિક વિરોધ શરૂ થઇ ગયો છે. એસપીજીના લાલજી પટેલે પણ ખુલ્લો વિરોધ કરી હાર્દિકને હવે ચૂંટણી જીતી બતાવજે તેવો પડકાર ફેંકયો હતો.
તો બીજીબાજુ, હાર્દિક પટેલના કોંગ્રેસમાં જાડાવાનું આ સમીકરણ ગુજરાત કોંગ્રેસને ફાયદો કરાવે તેવું પ્રથમ દૃષ્ટિએ લાગી રહ્યું છે કારણ કે તેને હવે આગામી લોકસભા ચૂંટણીમાં પાટીદાર મતો મળવાની આશા છે. પરંતુ અહીંથી જ ગુજરાત કોંગ્રેસમાં બીજી એક ઘર્ષણ રેખા તણાઈ ચૂકી છે જેની એકતરફ હાર્દિક પટેલ અને બીજીતરફ અલ્પેશ ઠાકોર છે. બંને યુવા નેતાઓ છે અને બંને અત્યંત મહત્વકાંક્ષી છે જેના કારણે ગુજરાત કોંગ્રેસમાં સત્તાની સાઠમારી વધુ ઘર્ષણમય બનશે તે નક્કી છે. અલ્પેશ ઠાકોર ધારાસભ્ય બન્યા બાદ તેને કોંગ્રેસ મહાસમિતિએ બિહારનો હવાલો સોંપ્યો હતો.
પરંતુ આવામાં ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલા શરૂ થયા.આ વિવાદમાં અલ્પેશનું નામ ઉછળતા યુપી અને બિહારમાં અલ્પેશના કારણે કોંગ્રેસની સ્થિતિ ખરાબ થઈ હતી. અલ્પેશ અત્યારે બિહારનો સહ-પ્રભારી છે પરંતુ તેને મહારાષ્ટ્રના પ્રભારી બનવું છે. જ્યારે બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ હાર્દિકની પણ ઈચ્છા મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી બનવાની છે. આવામાં ગુજરાત બહાર કોંગ્રેસનો ચહેરો બનવા હાર્દિક અને અલ્પેશ વચ્ચે સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. આગામી દિવસોમાં આ ગજગ્રાહ સપાટી પર આવશે તો, લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને નકારાત્મક પરિણામે વેઠવા પડે તેવી પણ દહેશત છે. તેથી કોંગ્રેસે ફુંકી ફુંકીને ડગ માંડવા પડશે.