વડોદરાઃ વડોદરામાં આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી શહેરની જાણીતી યુનિવર્સિટીઝમાંની એક છે અને તેણે મહિલાઓ માટેના મહત્ત્વપૂર્ણ આરોગ્યવિષયક દિવસોમાંના એક વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડેની ઉજવણી કરી હતી. વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડે એક ગ્લોબલ પ્લેટફોર્મ છે જે વિશ્વભરમાં મહિલાઓ અને યુવતીઓને માસિક ધર્મ દરમિયાન જે પડકારોનો સામનો કરવો પડે છે તેના વિશે જાગૃતિ ફેલાવે છે. આ દિવસે માત્ર સ્વચ્છતા પર જ નહીં પરંતુ નોન-પ્રોફિટ્સ, સરકારી એજન્સીઓ, પ્રાઈવેટ સેક્ટર, મીડિયા અને વ્યક્તિઓને મેન્સ્ટ્રુઅલ હાઈજીન મેનેજમેન્ટ (એમએચએમ)ને પ્રમોટ કરવા એકત્ર કરવા પર પણ લક્ષ આપવામાં આવે છે.
આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીના આચાર્ય ડો. કે. એસ. મૂર્તિએ કહ્યું હતું, ‘મેન્સ્ટ્રુઅલ હાઈજીન અને મેનેજમેન્ટ મહત્ત્વપૂર્ણ બાબત છે અને રોજિંદા જીવનમાં માસિક ધર્મના કારણે કોઈ અવરોધ ન આવે તે સુનિશ્ચિત કરે છે. તે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી સ્પર્ધા સ્વચ્છ ભારત સ્ટુડન્ટ સમર ઈન્ટર્નશીપનો હિસ્સો છે જેમાં આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આસપાસના ગામડાઓમાં જઈને ગ્રામીણ મહિલાઓમાં આ અંગે જાગૃતિ ફેલાવી હતી. તેનાથી એ સુનિશ્ચિત થાય છે કે તમારા રોજિંદા જીવનમાં જેમકે કોલેજ જવામાં, કામકાજ પર જવામાં કે ઘરકામ કરવામાં કોઈ સમસ્યા ન થાય.’
આ વર્ષે આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીએ તેના કેમ્પસમાં સેનિટરી નેપકિન ઈન્સિનરેટરની સ્થાપના કરી અને તેનું ઉદઘાટન કર્યુ છે. સેનિટરી નેપકિન ઈન્સિનરેટર એક ઓછી કિંમતનું મશીન છે જે સેંકડો મહિલાઓને સેનિટરી નેપકિન્સ ડિસકાર્ડ કરવામાં મદદ કરે છે. આ કાર્યક્રમનું વિઝન અને મિશન પર્યાવરણને હરિયાળું રાખવા, સાતત્યપૂર્ણ રાખવા અને વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનના કદમોને અનુસરવા માટેનું છે. ઈન્સિનરેટર યુનિવર્સિટી ખાતે તેના મહિલા કર્મચારીઓ, સ્ટાફ અને વિદ્યાર્થિનીઓ માટે લગાવાયું છે. ઈશા હોસ્પિટલના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડો. શિલ્પી શુકલા અને વડોદરાના ચેરિટેબલ ટ્રસ્ટ વુમન પ્લેનેટ ફાઉન્ડેશનના સ્થાપક સ્વાતિ જે. દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં માત્ર માસિક ધર્મ સમયની સ્વચ્છતા જાળવવા વિશે જ લક્ષ અપાયું નહોતું, પરંતુ વ્યક્તિની આસપાસના પર્યાવરણને સ્વસ્થ રાખવાની તકેદારી વિશે જાગૃતિ ફેલાવવા અને તેના માટે સલાહ આપવા માટે પ્રયાસ થયો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનું હકારાત્મક વલણ જોવા મળ્યું હતું. આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ હાઈજીન માટે અને સ્વાભાવિક રીતે સુખાકારી વધે એ માટેના કદમ ઉઠાવે છે.