હનુમાનજીનાં ભક્તો તેમને તેલ અને મરીની સાથે સિંદૂર પણ ચડાવતા હોય છે. વર્ષોથી ભાવીભક્તો હનુમાનજીને સિંદૂર ચડાવે છે ત્યારે ઘણાં લોકોને પ્રશ્ન થતો હોય છે કે શા માટે હનુમાનજીની સિંદૂર જ ચડાવવામાં આવે છે. અહીં આપણે એક લોકવાર્તા જોઈશું જેમાં આ વાતનો ઉલ્લેખ છે.
વાર્તા-
એકવાર સીતાજી પોતાના કક્ષમાં શ્રુંગાર કરી રહ્યાં હતા. તે સમયે રામે હનુમાનજીને એક પત્ર આપવા માટે સીતાજી પાસે મોકલ્યા. અનુમતી સાથે હનુમાનજી જ્યારે કક્ષમાં પ્રવેશ્યા ત્યારે સિતાજી માથામાં સિંદૂર લગાવી રહ્યા હતા. આશ્ચર્ય સાથે હનુમાનજીએ સીતાજીને પૂછ્યુ કે માતે આપ આ શું કરી રહ્યાં છો? ત્યારે સીતાજીએ કહ્યું કે આ સિંદૂર છે. તેને સેંથામાં લગાવવાથી પતિનું આયુષ્ય વધે છે અને તે મને વધુ પ્રેમ કરી શકશે. આ સાંભળીને હનુમાનજીને વિચાર આવ્યો કે જો માત્ર સેંથામાં ચપટી સિંદૂર લગાવવાથી આવું થતું હોય તો શા માટે હું આખા શરીરે સિંદૂર ન લગાવું? આ ભાવ સાથે હનુમાનજી આખા શરીરે સિંદૂરનો લેપ લગાવીને ભગવાન શ્રી રામ સમક્ષ ગયા. જ્યારે રામે તેમના આ વેશ વિશે પુછ્યું ત્યારે તેમને કહ્યું કે, હે પ્રભુ જો હું આખા શરીરે સિંદૂર લગાવીને ફરીશ તો તમે અમર થઈ જશો. બીજુ કારણ તમે માતા સિતાને જેટલો પ્રેમ કરો છો તેટલો મને પણ કરશો. આથી મેં આવું કર્યું છે.
આ લોકવાર્તા કે લોકવાયકા પરથી જાણવા મળ્યું કે એક કારણ આ પણ હોઈ શકે હનુમાનજીને સિંદૂર ચડાવવાનું.