અમદાવાદ : અમદાવાદના અમરાઈવાડી – રખિયાલ રોડ ઉપર આવેલ પ્રાચીન શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે ચૈત્ર સુદ પુનમને તા.૧૯-૦૪-૨૦૧૯ને શુક્રવારના રોજ શ્રી હનુમાન જયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી નાગરવેલ હનુમાન મંદિર પ્રાચીન અને અનન્ય મહાત્મ્ય ધરાવતું હોઇ હજારો લોકો દાદાના દર્શનાર્થે આવતીકાલે ઉમટશે.
મંદિર ટ્રસ્ટ તરફથી પણ દર્શનાર્થી શ્રધ્ધાળુઓ માટે પ્રસાદ, ભડારા સહિતની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. હનુમાનજયંતિ નિમિતે શ્રી નાગરવેલ હનુમાનજી દાદાની ૧૧ હજાર દિવડાઓની મહા આરતી ઉતારવામાં આવશે, જેને લઇ દાદાના ભકતોમાં ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયો છે.
હનુમાન જયંતિ નિમિતે શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે આયોજિત હનુમાન જન્મોત્સવ કાર્યક્રમમાં વિશેષરૂપે સવારે ૬-૦૦ વાગે ઉત્થાપન આરતી અને ત્રિયંજન, ૮-૩૦ વાગે ધ્વજારોહણ, ૯ થી ૧૨ શ્રી સીતારામ મંડળ સેવાશ્રમ અયોધ્યા ધામ દ્વારા સુંદરકાંડનો પાઠ, બપોરે ૧૨-૦ કલાકે હનુમાન જન્મોત્સવની ઉજવણી અને ભજન- કિર્તન તથા છપ્પન ભોગ (અન્નકુટ) ધરાવવામાં આવશે.
બપોરે ૧ થી ૪ મહાપ્રસાદી વિતરણ (ભંડારો), સાંજે ૫થી ૭ મારૂતિ મહાયજ્ઞ અને સાંજે ૭ થી ૧૦ વાગે જુદી જુદી ભજન મંડળીઓ દ્વારા ભજન સંધ્યાના આયોજનની સાથે મંદિરના મહંતશ્રી રંગનાથાચાર્યજી મહારાજ ભાવિક ભક્તોને પ્રવચન દ્વારા શ્રી હનુમાનજી મહત્તાનું રસપાન કરાવશે તેમજ રાત્રે ૮-૩૦ વાગે શ્રી નાગરવેલ હનુમાન દાદાની ૧૧૦૦૦ દિવડાઓની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. હજારો દર્શનાર્થીઓ અને શ્રધ્ધાળુઓ દાદાના દર્શનાર્થે ઉમટવાના હોઇ મંદિર ટ્રસ્ટ તરફથી વિશેષ વ્યવસ્થા અને પ્રસાદ, ભંડારા સહિતના આયોજનો કરવામાં આવ્યા છે.