લંડનઃ ઓસામા બિન લાદેનના પુત્ર હમઝા બિન લાદેને સપ્ટેમ્બર ૨૦૦૧માં અમેરિકા પર વિમાનોનું અપહરણ કરીને આત્મઘાતી હુમલા કરનાર ત્રાસવાદીઓની ટોળકીનું નેતૃત્વ કરનાર રિંગ લીડર પૈકીના એક અને મુખ્ય હાઇઝેકર કુખ્યાત મોહમ્મદ અટ્ટાની પુત્રી સાથે લગ્ન કર્યા હતા. પરિવાર તરફથી આ અંગની માહિતી આપી દેવામાં આવી છે.
અલકાયદાના લીડર અને એક વખતે અમેરિકા સહિતના દુનિયાના દેશોને હચમચાવી મુકનાર ઓસામા બિન લાદેનના પુત્રના લગ્નના અહેવાલને બિન લાદેનના પરિવારના લોકો દ્વારા સમર્થન આપી દેવામાં આવ્યું છે. ઇજિપ્તિયન નાગરિક અને કુખ્યાત મોહમ્મદ અટ્ટાએ અમેરિકન એરલાઈન્સની ફ્લાઇટ-૧૧નું અપહરણ કર્યું હતુ અને તે આ વિમાનમાં પાયલોટ તરીકે ગોઠવીને આ વિમાનને વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નોર્થ ટાવર સાથે અથડાવી દીધું હતું. આ બનાવમાં તમામ ૧૯૨ વિમાની યાત્રીઓના મોત થયા હતા અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર દુર્ઘટનામાં બીજા ૧૬૦૦ લોકોના મોત થયા હતા. મોહમ્મદ અટ્ટા આ વિમાનને ઓપરેટ કરી રહ્યો હતો.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, મોહમ્મદ અટ્ટાની પુત્રી સાથે હમઝા બિન લાદેનના લગ્ન થઇ ગયા છે. હમઝા બિન લાદેન પણ અલકાયદામાં હવે મજબૂત સ્થિતિ મેળવી રહ્યો છે અને પિતાના મોતનો બદલો લેવાની યોજના પણ ધરાવે છે. પરિવારના લોકોનું કહેવું છે કે, હમઝા જે ૨૯ વર્ષીય છે તે ઓસામા બિન લાદેનની ત્રણ જીવિત પત્નિઓ પૈકીની એક પત્નિનો પુત્ર છે. તે સાબર નામની લાદેનની પત્નિનો પુત્ર છે જે જ્યારે લાદેનને અમેરિકાએ ઓપરેશન હાથ ધરીને હેપ્ટાબાદમાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યો ત્યારે તેની સાથે હતી. ત્યારબાદથી જુદા જુદા નિવેદનો આવતા રહ્યા છે. હમઝા બિન લાદેન તરફથી પણ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ તથા ઇઝરાયેલ ઉપર યુદ્ધ છેડી દેવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી ચુકી છે. આતંકવાદીઓના અન્ય લીડરો અલ જવાહીરીના ડેપ્યુટી તરીકે પણ તેને જાવામાં આવે છે.
હમઝાની ગતિવિધિ ઉપર પશ્ચિમી ગુપ્તચર સંસ્થાઓ ચાંપતી નજર રાખી રહી છે. બિન લાદેનનો અન્ય એક પુત્ર ખાલીદ એપ્ટાબાદના હુમલામાં માર્યો ગયો હતો જ્યારે તેના અન્ય પરિવારના સભ્યો બચી ગયા હતા. ત્રીજા પુત્ર ૨૦૦૯માં અફઘાનિસ્તાનમાં ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો. માર્યા ગયેલા ત્રાસવાદી બિન લાદેનના પત્નિઓ અને બાળકો સાઉદી અરેબિયા પરત ફર્યા હતા જ્યાં તેઓને પ્રિન્સ મોહમ્મદ બિન દ્વારા શરણ આપવામાં આવી હતી. અટ્ટાની પુત્રી સાથે લગ્નના અહેવાલથી પણ ખળભળાટ મચી ગયો છે.