નવી દિલ્હી : પાકિસ્તાની જેલમાં છ વર્ષ ગાળીને ભારત પરત ફરેલા આમિદ નેહાલ અન્સારીએ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સાથે વાતચીત કરી છે. હામિદ મંગળવારના દિવસે સાંજે ભારત પરત ફર્યો હતો. તેની વતન વાપસીમાં કેન્દ્રીયમંત્રીની ભૂમિકા ખુબ મોટી રહી હતી. આજે સવારે હામિદના પરિવારના સભ્યો સુષ્મા સ્વરાજને મળ્યા હતા તે વખતે તેઓ ભાવનાશીલ બની ગયા હતા. આ ગાળા દરમિયાન હામિદની માતાએ કહ્યું હતું કે, મેરા ભારત મહાન, મેરી મેડમ મહાન, તમામ બાબતો મેડમના કારણે જ થઇ છે. હામિદના પરિવારે પહેલા પણ વાપસી માટે સુષ્મા સ્વરાજ સાથે વાતચીત કરી હતી.
તે વખતે તેમણે કહ્યું હતું કે, સુષ્મા સ્વરાજ સાથે વાતચીત કર્યા બાદ જે આત્મવિશ્વાસ જાગ્યો છે તેનાથી નવી આશા જાગી હતી. તેમને લાગતું હતું કે, તેમનો પુત્ર પરત ફરશે. આજે સવારે હામિદે સુષ્મા સ્વરાજની ઓફિસ જઇને તેમની સાથે વાતચીત કરી હતી. આ ગાળા દરમિયાન સુષ્મા સ્વરાજે તેમને ગળે લગાવ્યો હતો. હામિદ પણ ખુબ ભાવનાશીલ દેખાયો હતો. કેન્દ્રીય મંત્રીનો આભાર માન્યો હતો. આ ગાળા દરમિયાન તેમના પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
છ વર્ષ પેશાવરની જેલમાં રહ્યા બાદ હામિદના પરિવારના સભ્યો હામિદ પરત ફરતા ખુશખુશાલ દેખાયા હતા. હામિદની માતા ફોઝિયાએ કહ્યું છે કે, તેઓ એક સારા ઇરાદા સાથે ગયા હતા પરંતુ અચાનક ગાયબ થઇ ગયો હતો. એમ કહેવામાં આવે છે કે, એક પસ્તુન યુવતીને ઓનલાઈન ચેટિંગ બાદ તેના પ્રેમમાં પડ્યો હતો. હામિદ નેહાલ અન્સારી ૨૦૧૨માં વિઝા વગર મળવા પાકિસ્તાન પહોંચી ગયો હતો. આ ગાળા દરમિયાન તેના ઉપર જાસુસીનો કેસ ચલાવીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. પુત્ર હામિદની વતન વાપસી માટે પરિવારના સભ્યો તમામ રાજનેતાઓને મળ્યા હતા.