ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ખતરનાક ત્રાસવાદી અને લશ્કરે તોઇબાના લીડર હાફીઝ સઇદની પાર્ટીનો સફાયો થઇ ગયો છે. સામાન્ય લોકોએ તેમને મત આપ્યા નથી.
મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ અને આતંકવાદી હાફીઝ સઇદના સમર્થનવાળી અલ્લાહ હુ અકબર તહેરીક (એએટી)નો ચૂંટણીમાં સુપડા સાફ થઇ ગયા છે. હાફીઝની પાર્ટીને એક પણ સીટ મળી શકી નથી. જે સાબિત કરે છે કે, પાકિસ્તાનની પ્રજા પણ આતંકવાદીઓને સાથ આપવા માટે તૈયાર નથી.
આ અંગે ભારતે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીયમંત્રી હંસરાજ આહીરે કહ્યું છે કે, પાકિસ્તાનની પ્રજાએ હાફીઝને ચૂંટણી જીતવામાં મદદ કરી નથી. અમે ઇચ્છા રાખીએ છીએ કે નવી સરકાર દ્વારા સારી પહેલ કરવામાં આવશે. સારી બાબત એ છે કે લોકોએ આતંકવાદની વિરુદ્ધમાં મત આપ્યા છે.
કેન્દ્રીયમંત્રી આરકે સિંહે કહ્યું છે કે, શરૂઆતથી જ સેના દ્વારા સંકેત આપવામાં આવી રહ્યા હતા. ઇમરાન હંમેશા સેનાના ઉમેદવાર રહ્યા છે. આ વાત અમે નહીં પાકિસ્તાનના લોકો કરે છે.