અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત H-1B વિઝા હોલ્ડર માટે નિયમો સખ્ત કરી રહ્યાં છે. હવે આ મામલે તેમણે વધુ એક સખ્ત પગલું ભરવાની તૈયારી કરી છે. H1-B વિઝા હોલ્ડરના સ્પાઉસ એટલે કે જીવનસાથી માટે અમેરીકામાં કાયદેસર કામ (નોકરી) કરવા પર રોક લગાવવાની ટ્રમ્પ સરકારે તૈયારી કરી લીધી છે.
ભારતીયો પર આ નિર્ણયથી સૌથી વધુ અસર જોવા મળશે. અમેરીકાની સંઘીય એજન્સીના અધિકારીઓએ જાણકારી આપી છે. H-4 વિઝા હોલ્ડર એવા ૭૦ હજારથી વધુ લોકો પર આ નવી નિયમની અસર પડી શકે છે. જેમને વર્ક પરમીટ મળેલી છે. જેમાં H-4 વિઝા, H1-B વિઝા હોલ્ડર્સના જીવનસાથી જાહેર કરવામાં આવે છે. આ વિઝા લેનારા તે લોકોના સ્પાઉસ હોય છે, જે H1-B વિઝાની મદદથી અહીં કામ કરવા પહોંચે છે. જેમાં ભારતીયોની સંખ્યા સૌથી વધારે છે. અમેરીકાના રાષ્ટ્રપતિ તરીકે ઓબામા હતા ત્યારે તેમણે આ વ્યવસ્થા લાગૂ કરી હતી. પરંતુ ટ્રમ્પ સરકાર આ નિયમને બંધ કરવાનું આયોજન કરે છે અને થોડાં સમયમાં આ અંગે ઔપચારિક આદેશ જાહેર કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે.