અમદાવાદઃ ગુરૂ પૂજનનો અનન્ય મહિમા ધરાવતી ગુરૂ પૂર્ણિમાના આજના દિવસે ૧૮ વર્ષ બાદ ફરી ચંદ્રગ્રહણનો અનોખો સંયોગ સર્જાયો હતો, જેને લઇ ખગોળશાસ્ત્રીઓથી લઇ શ્રધ્ધાળુ ભકતો અને સાધુ-સંતો અને સંતસમાજમાં ભારે ઉત્સાહ અને જિજ્ઞાસાની લાગણી ફેલાઇ હતી.
ગુરૂપૂર્ણિમાને લઇ આજે શહેરના જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર, પાલડી જલારામ મંદિર, ભાવનગરના બગદાણા બાપા સીતારામ આશ્રમ, સુપ્રસિધ્ધ અંબાજી મંદિર, સોમનાથ મહાદેવ, ડાકોર રણછોડરાયજી મંદિર, સાળંગપુર કષ્ટભંજન દેવ, ગાંધીનગરના ડભોડિયા હનુમાનજી મંદિરોમાં ખાસ પૂજા-અર્ચના અને ભગવાનના સાજ-શણગાર કરવામાં આવ્યા હતા. તો, સાથે સાથે અમદાવાદ સહિત રાજયભરમાં વિવિધ આશ્રમો અને ગુરૂ સ્થાનકોમાં ગુરૂ પૂજનના ભકિતભાવ અને ધાર્મિક આસ્થાના અનોખા દ્રશ્યો જાવા મળ્યા હતા.
બાપા સીતારામના બગદાણા ખાતેના આશ્રમમાં તો, આજે બે લાખથી વધુ શ્રધ્ધાળુ ભકતોનુ ઘોડાપૂર ઉમટયું હતું. ગુરૂ પુર્ણિમા અષાઢ શુક્લની પુર્ણિમાને કહેવામાં આવે છે. આ દિવસે જ્ઞાન આપનારા ગુરૂની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ દિવસનુ ખૂબ મહત્વ છે. હિન્દુ ધર્મમાં દર મહિને આવનારી પુર્ણિમાનુ એક જુદુ મહત્વ છે. પણ ગુરૂ પુર્ણિમાને ખૂબ મહત્વપુર્ણ માનવામાં આવે છે. અજ્ઞાની અને અંધકારમાં ભટકતા શિષ્યોને યોગ્ય માર્ગ પર લાવનારા વ્યક્તિને જ ગુરૂનુ પદ આપવામાં આવે છે. બાળકને જન્મ ભલે માતા પિતા આપતા હોય પણ જીવનનો અર્થ અને સાર સમજાવવાનુ કાર્ય ગુરૂ જ કરે છે. તેને જીવનની કઠિન રાહ પર મજબૂતીથી ઉભા રહેવાની હિમંત એક ગુરૂ જ આપે છે. હિન્દુ પરંપરામાં ગુરૂને ગોવિંદથી પણ ઉચ્ચ માનવામાં આવ્યા છે. તેથી આ દિવસ ગુરૂની પૂજાનો વિશેષ દિવસ છે.
બીજીબાજુ, આજે સદીનું સૌથી મોટુ ચંદ્રગ્રહણ હતુ અને તેને લઇ ગુજરાતના અનેક પ્રસિદ્ધ યાત્રાધામોમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ખાસ કરીને સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ, દ્વારકા, અંબાજી અને ડાકોર મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચંદ્રગ્રહણને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના મંદિરોમાં અને આ પવિત્ર યાત્રાધામોમાં ભગવાન અને માતાજીની વિશેષ પૂજા અર્ચના અને હવન-યજ્ઞના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.
શહેરના જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર ખાતે વહેલી સવારથી જ ગુરૂભકતોનું ઘોડાપૂર ઉમટયું હતું અને ભકતજનોએ મંદિરના મહંત અને પોતાના ગરૂદેવ દિલીપદાસજી મહારાજની પૂજા કરી, તેમની પાદુકાનું પૂજન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂભકતો દ્વારા યથાશકિત ભેટ-દાન અને પ્રસાદ ગુરૂ ચરણોમાં અર્પણ કર્યા હતા તો, સામે ગુરૂદેવ દ્વારા પણ પોતાના ભકતજનોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. બાપા સીતારામના બગદાણા ખાતેના આશ્રમમાં તો, આજે બે લાખથી વધુ શ્રધ્ધાળુ ભકતોનુ ઘોડાપૂર ઉમટયું હતું. લાખો શ્રધ્ધાળુઓ માટે બગદાણા આશ્રમમમાં આજે પ્રસાદ-જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. જે માટે આસપાસના ૩૦૦થી વધુ ગામોના પાંચ હજારથી પણ વધુ સ્વયંસેવકોએ ખડેપગે સેવા કરી હતી. આ જ પ્રકારે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વિવિધ આશ્રમો અને ગુરૂ સ્થાનકો ખાતે પણ ગુરૂ ભકતોનો મેળાવડો જામ્યો હતો અને ગુરૂભકતો દ્વારા પોતાના ગુરૂની પૂજા-વંદના કરી આશીર્વાદ મેળવ્યા હતા. મોડી રાત સુધી રાજયભરમાં ગુરૂપૂજન અને ભકિતરસનો ધોધ વહ્યો હતો.
ચંદ્રગ્રહણને લઇ શ્રધ્ધાળુ ભકતો દ્વારા આજે વિશેષ પૂજા અર્ચના અને મંત્ર જાપ તેમ જ હોમ-હવન કરાયા હતા કારણ કે, ગ્રહણ દરમ્યાન કરાયેલી પૂજા અને તપનું અનેકગણું ફળ પ્રાપ્ત થતું હોય છે, તેથી મોડી રાત સુધી પૂજા, હોમ-હવન પણ ચાલ્યા હતા. શહેર સહિત રાજયભરમાં ગરૂભકતોએ આજે ભારે ઉત્સાહ અને ભકિતભાવ સાથે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરી હતી.