જયપુર : રાજસ્થાનમાં ગુર્જર આંદોલન આજે પણ યથાવત રીતે જારી રહેતા લોકોની મુશ્કેલી વધી હતી. આજે બુધવારના દિવસે વધુ ૩૧ ટ્રેનો રદ કરવામાં આવી હતી. આંદોલન ઉપર ઉતરેલા લોકો દ્વારા તેમની માંગને લઇને મક્કમ વલણ અપનાવવામા આવી રહ્યુ છે જેથી આંદોલન જારી રહ્યુ છે. આવતીકાલે પણ ટ્રેન સેનાને માઠી અસર થઇ શકે છે. પાંચ ટકા અનામતની માંગ સાથે જારી ગુર્જર સમુદાયનુ આંદોલન આજે છઠ્ઠા દિવસે પણ જારી રહેતા તેની માઠી અસર થઇ હતી. રાજસ્થાનમાં પાંચ ટકા અનામતની માંગની સાથે ગુર્જર નેતાઓનું આંદોલન આજે છઠ્ઠા દિવસે પણ જારી રહ્યું હતું.
ગુર્જર નેતા કિરોડીસિંહને જિલ્લા કલેક્ટરે લાલઆંખ કરીને નોટિસ ફટકારતા હવે આ મામલામાં નવો વળાંક આવી શકે છે. કિરોડીસિંહ તેમના સમર્થકો સાથે શુક્રવાર બાદથી નોર્થવેસ્ટર્ન રેલવે ઉપર સ્થિત સવાઈ માધોપુર-બયાના વચ્ચે રેલવે ટ્રેક ઉપર આંદોલન કરી રહ્યા છે. આંદોલનના કારણે આજે પણ અનેક ટ્રેનો રદ કરવામાં આવી હતી. રવિવારે આંદોલન હિંસક બનતા અનેક વાહનોને આગ ચાંપી હતી. પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.
સરકાર દ્વારા વાટાઘાટો માટે ત્રણ સભ્યોની પ્રધાનસ્તરની સમિતિ રચી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વિરોધને ખતમ કરવા ગુર્જર સમુદાયના લોકોને અપીલ કરી ચુક્યા છે. વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરવા પણ કહેવામાં આવ્યું છે. ડિસેમ્બર મહિનામાં ૨૦ દિવસનું અલ્ટિમેટમ સરકારને અપાયું હતું. અનેક જગ્યાઓએ સીઆરપીસીની કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી છે. ધૌલપુરમાં સીઆરપીસીની કલમ હેઠળ પ્રતિબંધાત્મક આદેશ જારી કરાયા છે. કરોલી જિલ્લામાં પણ આવી જ હાલત બનેલી છે. મોટી સંખ્યામાં ટ્રેનો રદ કરવામાં આવી ચુકી છે જેથી જનજીવન ઉપર માઠી અસર થઇ છે.