જયુપર : રાજસ્થાનમાં પાંચ ટકા અનામતની માંગની સાથે ગુર્જર નેતાઓના આંદોલનના કારણે આજે પણ વધુ ૧૦ ટ્રેનો રદ કરવામાં આવી હતી. અનેકના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. આના કારણે સામાન્ય લોકો હવે ભારે મુશ્કેલી અનુભવ કરી રહ્યા છે. કેટલીક ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવી છે. ગુર્જર સમુદાયના લોકો વધારે મક્કમ બનીને આગળ વધી રહ્યા છે. રવિવારના દિવસે હિંસક દેખાવ કરવામાં આવ્યા બાદ હવે તમામ જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી છે.પશ્ચિમ રેલવને અને પશ્ચિમ મધ્ય રેલવે તરફથી ટ્રેનોને માઠી અસર થઈ છે. ગુર્જર નેતા કિરોડીસિંહે કહ્યું છે કે આ લડાઈ આરપારની છે.
તેમણે આજે પણ કહ્યું હતું કે જ્યાં સુધી ગુર્જર સમુદાયને પાંચ ટકા અનામત નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. સવાઈમાધોપુરા-બયાના વચ્ચે ગુર્જર આંદોલન જારદાર રીતે જારી છે. ગુર્જરોના પ્રદર્શનના કારણે પશ્ચિમી મધ્ય રેલવેના કોટા ડિવીઝનની અનેક ટ્રેનોના રૂટ બદલી નાંખવામાં આવ્યા છે. કેટલીક ટ્રેન રદ કરી દેવામાં આવી છે. કેટલીક ટ્રેનોને અડવચ્ચે સુધી ચાલુ રાખવામાં આવી છે. કોટા ડીઆરએમ દ્વારા ટ્વીટ કરીને કહેવામાં આવ્યુ છે કે કેટલીક ટ્રેનોના રૂટ બદલી દેવામાં આવ્યા છે.
દરમિયાન ગુર્જર આંદોલનને ધ્યાનમાં લઇને મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. વિરોધ પ્રદર્શનના કારણે હજુ સુધી ૪૫થી વધુ ટ્રેનોને રદ કરવામાં આવી ચુકી છે. ૨૦થી વધુ ટ્રેનોના માર્ગ બદલી દેવામાં આવ્યા છે. પ્રદર્શનના કારણે કેટલીક ટ્રેનોને અટકાવી દેવામાં આવી છે. રાજસ્થાનના કોટા મંડળમાં ગુર્જર આંદોલનના કારણે આંશિક ટ્રેનો રદ કરવામાં આવી હતી. અનેક ટ્રેનોના રુટ બદલી દેવામાં આવ્યા હતા. ટ્રેનોમાં ફેરફારના કારણે માહિતી મેળવવા માટે હેલ્પલાઈન નંબરો પણ જારી કરવામાં આવ્યા છે. પોલીસની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. આંદોલનને ધ્યાનમાં લઇને રાજસ્થાન આર્મી કોન્સ્ટેબલરી (આરએસી)ની ૧૭ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. જેમાં એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ પણ સામેલ છે. ગુર્જર સમાજ સરકારી નોકરી અને શિક્ષણ સંસ્થાઓમાં અનામતની માંગ ઉપર મક્કમ છે.