દુનિયાની મહાન યુનિવર્સિટીઓમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી(યુકે)ની દિવાલો અને સમગ્ર પ્રાંગણ એક ઐતિહાસિક ઘટનાથી ગૂંજ્યું જ્યારે શનિવારે નાનકડા બાળક રુદ્રએ સૌનું સ્વાગત કર્યું અને અહીં અભ્યાસ કરતા વિવિધ સંગીત વિદ્યાર્થિઓ દ્વારા વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિક આધારિત શ્રી રામ ગુણગાન,ગુરુસ્તુતિ અને પ્રથમ શ્લોકનું સિમ્ફની આધારિત ગાન થયું.લોર્ડ ડોલર પોપટ દ્વારા બ્રિટિશ ગવર્મેન્ટના મેમ્બર તરીકે સ્વાગત ઉપરાંત બંકિમહામ પેલેસથી રાજા કિંગ ચાર્લ્સ ત્રીજા દ્વારા બાપુને પ્રેમ ભર્યો આવકાર તેમજ આર્ચ બીશપ(કેન્ટબેરા)દ્વારા ડીયર મોરારીબાપુને વેલકમ અને વાઈસ ચાન્સલર દ્વારા શુભેચ્છા સંદેશ સેનેટા એલેએ પ્રસ્તુત કર્યો.
*માનસની બીજ પંક્તિઓ:*
*બિશ્વનાથ મમ નાથ પુરારિ;*
*ત્રિભુવન મહિમા બિદિત તુમ્હારી.*
*ભગત બછલ પ્રભુ કૃપાનિધાના;*
*બિશ્વબાસ પ્રગટે ભગવાના.*
આ બીજ પંક્તિ સાથે બાપુએ ત્રિભુવનગુરુ મહાદેવની અસીમ કૃપાથી વિશ્વના પ્રસિદ્ધ વિશ્વ વિદ્યાલયોમાં યશસ્વી કેમ્બ્રિજના પ્રાંગણમાં રામકથાને કેન્દ્રમાં રાખીને ભેગા થયા તેને ત્રિભુવનગુરુ મહાદેવની કૃપા જણાવી.કહ્યું કે માનસ સ્વયં વિશ્વ વિદ્યાલય છે.વિશ્વ વિદ્યાલયોમાં કેટલીય ફેકલ્ટીઓ,વિભાગો હોય છે.માનસ એક જંગમ યુનિવર્સિટી છે.જેના સાત વિભાગ છે.બાલકાંડથી ઉત્તરકાંડ સુધી.દરેકમાં વિશિષ્ટ કુલપતિ બેઠેલા છે. જેની તુલના કોઈ સાથે નથી કરી શકાતી.બધા જ પોત-પોતાનામાં અનુઠા,અનોખા,વિરલાઓ અને અદ્વિતીય છે.રૂમીએ એક વાક્ય કહ્યું છે કે:પાંચ મિનિટ કોઈ બુદ્ધપુરુષ પાસે પરમશ્રદ્ધા લઈને બેસીએ તો કોઈ વિશ્વ વિદ્યાલય ન આપી શકે એટલું બુદ્ધપુરુષ આપે છે.રુમી તો પાંચ મિનિટ નિશ્ચિત કરે છે. રામચરિત માનસના એક કુલપતિ-ગોસ્વામીજી કહે છે કે:*એક ઘડી આધી ઘડી,આધી મેં પુની આધ;**તુલસી સંગત સાધકી કટે કોટિ અપરાધ.* વિશ્વવિદ્યાલયો અપરાધ ઓછા કરવા માટે હોવી જોઈએ,સાંપ્રત સમયમાં ક્યારેક વિશ્વવિદ્યાલયો અપરાધોના અડ્ડાઓ પણ બનતા જોયા છે. અહીં કોઈ લાંબો કોર્સ નથી,કોઈ મોટા વિષયો નથી.બસ એક માત્ર વિષય છે-વિશ્વાસ,કેવળ વિશ્વાસ. ડો.રાધાકૃષ્ણએ કહેલું કે માઈલો અને એકરોમાં વિશ્વવિદ્યાલયો હોય છે પણ મારા દેશનો એક-એક ઋષિ એક૦એક યુનિવર્સિટી છે.આજે તો સબ્જેક્ટ તો ઘણા જ વધી ગયા છે.આ યુનિવર્સિટીમાંથી દુનિયામાં સૌથી વધારે નોબેલ પ્રાઈઝ મેળવનારાઓ અભ્યાસ કરીને નીકળેલા છે.અહીં સાત અને ચાર મળીને ૧૧ વિશ્વ વિદ્યાલયની વાત કરશું.એક છે વશિષ્ઠ વિશ્વવિદ્યાલય જ્યાં સાક્ષાત પરમાત્મા જ્ઞાન પ્રાપ્તિ માટે ગયેલા.બીજું વિશ્વવિદ્યાલય છે- વિશ્વામિત્ર જ્યાં બળ અને તેજ વધે એવું ભણાવ્યું. એ જ રીતે મહર્ષિ ગૌતમ,વાલ્મિકી,અગત્સ્ય, યાજ્ઞવલ્ક્ય અને આપણને ખૂબ નજીક પડે એવા કાગભુષંડી એ સાત કુલપતિઓ છે.ચાર પરમ વિશ્વવિદ્યાલય કૈલાશ-જ્યાં સાક્ષાત શિવ બેઠા છે, પ્રયાગ,નીલગિરિ અને તુલસીદાસજી.સાંપ્રત સમયની સમસ્યાઓનું રામચરિતમાનસ સમાધાન પ્રદાન કરે છે.
આપણી ભૂમિના નાલંદા અને તક્ષશિલાને પણ યાદ કરીએ જેના ખંઢેર જોઈને લાગે છે કે કેટલા મહાન હશે.વિશ્વવિદ્યાલયોમાં વિદ્યાઓનું આદાન-પ્રદાન થાય છે રામચરિત માનસ વૈરાગ્યનું પણ વિશ્વ વિદ્યાલય છે,જ્ઞાન અને વિજ્ઞાનનું પણ વિશ્વવિદ્યાલય છે.અહીંની વિવિધ કોલેજોમાં ભણાવતા અનેક વિષયોની યાદી જોઈ અને કોઈને કોઈ ચોપાઈ,દોહરો,સોરઠામાં એનો સંકેત છે અમુક વિભાગો અન આવશ્યક પણ છે.આ રીતે માનસને બીજી દ્રષ્ટિથી જોવાનો અવસર મને પણ મળી રહ્યો છે.સદગ્રંથ મહિમાં કહેતા બાપુએ કહ્યું કે સદગુરુ સદગ્રંથ પણ છે અને અનેક ગ્રંથોનો ગ્રંથાવતાર છે એવું ઓશો પણ કહેતા.પહેલા દિવસે વંદના પ્રકરણ બાદ વિરામ અપાયો.