એક મહિનાથી વરસાદ અટકવાનું નામ લેતો ન હતો. માંડ સહેજેક તડકો નીકળે, પણ એ ય છેતરામણો જ બની રહેતો. લોકો ય ખૂબ કંટાળી જતા હતા. પરંતુ કુદરત આગળ કોણ શું કરી શકે ? કુદરતનો માર તો વેઠયા સિવાય છૂટકો જ હોતો નથી. દિવસ ને રાત ઘરમાં જ પૂરાઇ રહેવું પડતું હતુ. સ્ત્રીઓને ખાસ કરીને વરસાદની ઋતુમાં કપડાં સૂકવવાની ખૂબ ચિંતા રહેતી. ફ્લેટમાં રહેનારને તો બેડરૂમમાં દોરીઓ બાંધી બાંધી કપડાં સૂકવવાં પડતાં. ગોદડાં ઓશીકાં ચાદરો બધામાં ભેજ-ભેજ, ઘરની દિવાલોમાં પણ ભેજ ઉતરતો અને કબાટમાં રાખેલ કપડાં કે કાગળો બગડી જતાં. હવે તો આ વરસાદ અટકે તો સારુ એવું સૌ વિચારતા હતા. દુષ્કાળનાં વરસોમાં વરસાદને લાવવા માટે લોકોએ યજ્ઞ અને પૂજા પાઠ કરવવાં પડે ને આ વરસે તો વરસાદને ખમૈયા કરવા સૌએ ભગવાનને મનોમન પ્રાર્થના કરવી પડતી હતી.
અમારાં એક સંબંધી શીલાબેનને બે દીકરા હતા. બંને કોલેજમાં ભણતા હતા. બંનેએ બાળપણમાં જ પિતાનું છત્ર ગુમાવેલ પણ શીલાબેને બંનેને બાપની ખોટ સાલવા દીધેલી નહિ. મોટો દીપક એલ.એલ.બી.કરતો હતો. દીપકને રોજ સવારે સાત વાગ્યાની અમદાવાદ તેની કોલેજ તરફ જતી બસ પકડવી પડતી. નાનો દીકરો ધવલ સેકન્ડ બી.કોમ.માં અભ્યાસ કરતો હતો. દીપક રોજ સવારે સાડા છ વાગે નીકળી જતો અને ધવલ જમ્યા પછી અગિયાર વાગે જતો. તેમના ઘેરથી બસ સ્ટેન્ડ બે અઢી કિલો મીટર જેટલું છેટું હતું, એટલે સવારે ધવલ દીપકને સ્કૂટર પર બસ સ્ટેન્ડ સુધી મૂકી આવતો. પછી અગિયાર વાગે એ સ્કૂટર લઇને એ જ બસ સ્ટેન્ડ પર આવતો. એનું સ્કૂટર ત્યાં આજુબાજુમાં પાર્કીંગ માટેની જગા હતી ત્યાં પાર્ક કરતો. બારેક વાગે દીપક આવે ત્યારે તેની પાસે સ્કૂટરની એક્સ્ટ્રા ચાવી રહેતી તેને આધારે તે સ્કૂટર પર ઘેર જતો રહેતો. ધવલને સાંજે પાછા ફરતી વખતે સ્કૂટરની બહુ ઇચ્છા રહેતી નહિ એટલે તે ચાલીને ઘેર પહોંચી જતો.
આજે સવારે એવું બન્યુ કે દીપક તો સમયસર જાગી ગયો પણ ધવલ કદાચ રાત્રે જાગ્યો હોવાથી ઉઠ્યો ન હતો. દીપકને બસ પકડવામાં મોડુ થાય એમ હોવાથી એ સ્કૂટર લઇને જતો રહ્યો અને તે સ્કૂટર બસ સ્ટેન્ડ પર પાર્ક કરીને જ જશે એમ તેણે મમ્મીને પણ કહી દીધુ. ધવલ થોડો મોડો ઉઠ્યો. એણે જોયું તો દીપક ચાલ્યો ગયો છે, એણે ચેક કર્યું તો સ્કૂટર હતું નહિ.એટલે એ મોંઢુ બગાડીને મમ્મી સમક્ષ દીપકની ફરિયાદ કરવા બેઠો અને ગુસ્સે થઇને બોલવા લાગ્યો,
” એ સ્કૂટર લઇને કેમ જતો રહ્યો ? મને જગાડ્યો હોત તો હું એને મૂકવા ન જાત, હવે મારે અગિયાર વાગે રિક્ષામાં જવું પડશેને ?? ”
મમ્મીએ એને સમજાવ્યો કે ,
” એમાં શું થઇ ગયું બેટા ? એ તારાથી મોટો છે અને એને સવારે મોડુ થતું હતું એથી એ નીકળી ગયો તો ભલે ગયો, એ સ્કૂટર તો સ્ટેશને મૂકીને જ ગયો છે તારે ચાલતા જઇને લઇ આવવું હોય તો લઇ આવ નહિતર તુ તારે રિક્ષા કરીને જ જજે બસ…”
પણ એમ કંઇ મમ્મીની વાત માને તો એ ધવલ શાનો ?? એ તો રિક્ષા કરીને જ ગયો ને રાત્રે એ કોલેજથી ઘેર આવ્યો કે તરત જ દીપકને ઝઘડવા લાગ્યો, ને જોર જોરથી ગમે એમ બોલવા લાગ્યો…દીપક તો ધવલના આવા વર્તનથી એક્દમ હેબતાઇ જ ગયો..એને કંઇ સમજાતુ નહતું કે ધવલ શા માટે આટલો બધો ગુસ્સે થયો છે અને તે મોટો હોવા છતાં એની સાથે ગમે એમ કેમ બોલવા લાગ્યો છે ?? દીપકને ધવલના શબ્દોથી ખૂબ જ લાગી આવ્યુ..પરંતુ એ જ વખતે એને પણ છેલ્લા છ માસ દરમિયાન એ પોતે મમ્મી સાથે વાતવાતમાં ગુસ્સે થઇને કંઇનું કંઇ બોલી ગયેલો એ યાદ આવ્યું. એને અત્યારે વિચાર આવ્યો કે એ વખતે મમ્મીને પણ દુ;ખ થયું જ હશેને ?? ખરેખર તો જ્યારે પપ્પા હયાત ન હોય ત્યારે મોટા પુત્ર તરીકે એણે તો મમ્મી સાથે ખૂબ જ સંયમ પૂર્વક જ વર્તન કરવું જોઇતું હતુ…પણ એ તો આવું બધુ ભૂલી જ ગયેલો..
ધવલ થોડો જાડી ચામડીનો હતો, એને કંઇ બહુ લાગી આવે એવું ન હતુ. એ તો વાત વાતમાં તડ ફડ કરી નાખતો જ્યારે દીપક ધવલના પ્રમાણમાં સેન્સીટીવ વધુ હતો. એનાથી રહેવાયું નહિ એટલે એણે મમ્મી પાસે બેસીને કહ્યું,
” મમ્મી, આ ધવલ જોને મારાથી નાનો હોવા છતાં મને કેવું ફટા ફટ લડી નાખે છે ?? એને વિચાર આવે છે કે નાનાએ મોટાંને ગમે એમ ન બોલાય… મને મમ્મી આજે એના વર્તનથી બહુ જ આઘાત લાગ્યો છે પણ સાથે સાથે એમ પણ થાય છે કે હું પણ તને ઘણી વખત ગુસ્સે થઇને ગમે એમ બોલી ગયો છું નહિ..?? મને થાય છે કે એ વખતે તને પણ કેટલું બધુ દુ:ખ થયું હશે… તો ય તું તો મને કશું ય બોલી નથી ને ફરીથી પાછો એવો ને એવો જ પ્રેમ આપતી રહી છે..
દીપકના આવા શબ્દો સાંભળી મમ્મી એના માથે હાથ ફેરવતાં બોલી,
” ના રે બેટા મમ્મીને તો એનું કશું જ ખોટુ લાગ્યુ જ નથી, ને તમે તો મારાં છોકરાં છે, અણસમજમાં કશું બોલી જાવ તો એનાથી મને કાંઇ ફેર પડે નહિ હોં.. ચાલ ઉઠ એ તો હું ધવલને બરાબર ખખડાવીશ હોં..”
મમ્મી આટલું બોલતાં આડું જોઇ ગઇ ને એકદમ ઉભી થઇને વોશ બેઝીન તરફ મોં ધોવા જતી રહી. દીપકે જોયું કે એની મમ્મીની આંખમાં આસૂ ધસી આવ્યાં હતાં પણ કદાચ એ આસુ એવી ખુશીનાં પણ હોઇ શકે કે હાશ આજે મારા મોટા દીકરાની સમજણનાં દ્વાર તો ખુલી ગયાં !!!!! ..
- અનંત પટેલ