નવી દિલ્હી : કલમ ૩૭૦ની નાબુદી બાદ જમ્મુ કાશ્મીરમાં ટેન્શનની સ્થિતી વચ્ચે શાંતિ જાળવી રાખવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના લોકોમાં આત્મવિશ્વાસ જગાવવા અને તેમના હિતોની સુરક્ષા કરવાની ખાતરી આપવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આજાદ દ્વારા વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી છે. ગુલામનબીએ વિવાદાસ્પદ ટિપ્પણી કરતા કહ્યુ છે કે પૈસા આપીને લોકોનો સાથ લઇ શકાય છે.
પૈસા આપીને કોઇનો પણ સાથ લઇ શકાય છે તેવા આઝાદના આક્ષેપ બાદ કોંગ્રેસની પ્રતિષ્ઠાને વધારે ફટકો પડ્યો છે. આઝાદે કહ્યુ હતુ કે કાશ્મીરના લોકો પર સંચારબંધી લાદીને કાનુન બનાવવાની યોજના તૈયાર કરાઇ હતી અને હવે લોકોને સુરક્ષા વચ્ચે રાખીને કલમ ૩૭૦ દુર કરવામાં આવી છે. ભારતના ઇતિહાસમાં આવી બાબત પ્રથમ વખત બની છે. કોંગ્રેસ પાર્ટીના લોકો કલમ ૩૭૦ની નાબુદીના મુદ્દા પર વિભાજિત દેખાઇ રહ્યા છે. ટોપ લીડરશીપ આને લઇને વિરોધ કરે છે.
જ્યારે કોંગ્રેસના કેટલાક નેતાઓ મોદી સરકારના નિર્ણયને યોગ્ય ગણી રહ્યા છે. કેટલીક જગ્યાએ બજારો આજે ખુલી ગયા બાદ સ્થિતી સામાન્ય બનાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. બીજી બાજુ ગુલામનબી જેવા નેતાઓના ઉશ્કેરણીજનક પગલાના કારણે સ્થિતી વણસી પણ શકે છે. જેથી હાલમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવી ચુક્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ શોપિયનમાં સ્થાનિક લોકો સાથે વાતચીત કરતા નજરે પડ્યા બાદ કોંગ્રેસી નેતા આઝાદ દ્વારા આ મુજબની પ્રતિક્રિયા આપવામાં આવી છે. કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ કોંગ્રેસમાં વધારે વિભાજનની સ્થિતી દેખાઇ રહી છે.