ગુજરાતના બેરોજગાર યુવાનો માટે શોષણકારી આઉટસોર્સિંગની પ્રથામાં બહાર આવતી એક હકીકત અનુસાર રાજ્યમાં સાત લાખથી વધુ યુવાનોની કારકિર્દી સાથે ચેડા થઈ રહ્યા છે. ભોગ બનેલા યુવાનો માટે લડત ચલાવતા સંગઠનના દાવા અનુસાર કરાર અને આઉટસોર્સિંગમાં યુવાનોની આવડી મોટી વિશાળ ફોજ હોમાઈ ગઈ છે.
બીજી તરફ નિશ્ચિત મળતિયાઓને જ કોન્ટ્રાક્ટ મળે અને કાયદાકીય રીતે કોઈ અવાજ પણ ન ઉઠાવી શકે, તે માટે ચોક્કસ ગોઠવણ ભ્રષ્ટાચારની સિસ્ટમમાં કરી લેવામાં આવી છે.
સરકારના રોજગારીના વાયદા વચ્ચે ‘માનવશક્તિ’ના ભ્રષ્ટાચારના મુળીયા દિવસેને દિવસે ઉંડા ઉતરતા જાય છે. ગુજરાતમાં ચાલતી હાલની આ સિસ્ટમને કેન્દ્રનો શ્રમ અને રોજગારનો કાયદો પણ માન્યતા આપતો નથી. એકાદ વર્ષ પહેલા કઢાયેલા એક અંદાઝ અનુસાર રાજ્યમાં કરાર અને આઉટસોર્સિંગ દ્વારા સાત લાખથી વધુ યુવાનો સરકારી કે સરકાર અનુદાનીત સંસ્થાઓના વિભાગોમાં નોકરી કરી રહ્યા છે.
કાયમી કર્મચારીઓની સાથે જ ખભેખભા મિલાવીને કામ કરતા આ યુવાનોને કોઈ હક્ક-અધિકાર કે પુરો પગાર મળતો નથી. આ માટે લડત ચલાવતા ‘જનઅધિકાર મંચ’ના જણાવ્યા અનુસાર સરકારી તિજોરીમાંથી આ યુવાનોના નામે પુરી રકમનો પગાર નિકળે છે, પરંતુ યુવાનોના હાથમાં આવતા પગારની આ રકમ અડધી થઈ જાય છે.
મંચના પ્રવિણ રામ કહે છે કે, રાજ્યમાં સરકારી રેકર્ડ ઉપર શિક્ષિત અને અશિક્ષિત બેરોજગારોની સંખ્યા ૩પ લાખ જેટલી છે. એક તરફ બેકાર યુવાનોનો આવડો મોટો સમુહ છે, તો બીજી તરફ સરકારના અનેક વિભાગો ઈન્ચાર્ર્જથી ચાલી રહ્યા છે. ખાસ કરીને વહિવટી, આરોગ્ય, કૃષિ અને ગ્રામ વિકાસના ક્ષેત્રોમાં આઉટસોર્સિંગનું ચલણ વધતુ જાય છે. બીજી તરફ માનવશક્તિ પુરી પાડવાનો કોન્ટ્રાક્ટ પોતાના જ મળતિયાની એજન્સીને મળે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવાયેલી છે.