આગામી ૧૮ ઓગષ્ટથી રજી સપ્ટેમ્બર, ૨૦૧૮ દરમિયાન ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાનારી એશિયન ગેમ્સમાં ડાંગ જિલ્લાની કુ.સરિતા ગાયકવાડની ૪/૪૦૦ મીટર રીલેદોડમાં ધી એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા પસંદગી થતાં તેણીએ ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. કુ.સરિતા ગાયકવાડના ગામ એવા કરાડીઆંબા સહિત ગુજરાત અને દેશભરમાંથી સરિતા ગાયકવાડને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
૪/૪૦૦ મીટર રીલેદોડમાં કુ.સરિતા ગાયકવાડ સાથે ભારતની દોડવીરો એવી એમ.આર. પુવમ્મા, સોન્યા વૈશ્ય, વિજયાકુમારી, વી.કે. વિસ્મયા અને જીસ્ના મેથ્યુની પણ પસંદગી થવા પામી છે. જે પૈકી સ્પર્ધાની અંતિમ ક્ષણે ઇન ફૉર એથ્લેટિક્સની પસંદગી કરવામાં આવશે.
૫૮મી ઇન્ટરસ્ટેટ સીનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ૪૦૦ મીટર વિધ્ન દોડમાં ૫૮:૦૧ સેકન્ડ સાથે ગુજરાત માટે બ્રોન્ઝ મૅડલ મેળવનારી ડાંગની દીકરી કુ.સરિતા ગાયકવાડ આગામી ૯મી જુલાઇથી પોલેન્ડ (યુરોપ) ખાતે એશિયન ગેમ્સની ઘનિષ્ઠ તાલીમ માટે જઇ રહી છે. જ્યાંથી તે સીધી ઇન્ડોનેશિયા માટે ઉડાન ભરી, જકાર્તા ખાતે યોજાનારી એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આસામના ગુવાહાટી ખાતે સંપન્ન થયેલી ૫૮મી નેશનલ ઇન્ટરસ્ટેટ સીનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ બાદ, ગત ૩૦મી જુન, ૨૦૧૮નાં રોજ ધી એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાની યોજાયેલી પસંદગી સમિતિની બેઠકમાં આ સ્પર્ધા સહિત નેશનલ કોચિંગ કેમ્પમાં ભાગ લઇને, ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ખેલાડીઓને જકાર્તા માટેની ટીકીટ આપવામાં આવી છે. કુ.સરિતા ગાયકવાડે આ નેશનલ કેમ્પમાં સફળતાપૂર્વક ભાગ લઇ, ઇન્ટર સ્ટેટ ચેમ્પિયનશીપમાં ૪૦૦ મીટર વિધ્નદોડમાં ગુજરાત માટે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.