ગાંધીનગરમાં ગુજરાતનો સૌથી મોટો કન્સ્ટ્રક્શન ટ્રેડ ફેર “ગુજરાત કોનેક્સ 2025” યોજાયો

Rudra
By Rudra 4 Min Read

ગાંધીનગર: કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ઉપયોગી આધુનિક ટેકનોલોજીની મશીનરીના વ્યાપારિક પ્રદર્શન “ગુજરાત કોનેક્સ 2025″ ની બીજી આવૃત્તિનું આજે ગાંધીનગરના હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસના આ પ્રીમિયર ટ્રેડ ફેરમાં બાંધકામ ઉદ્યોગ માટે ઉપયોગી મશીનરી અને વાહનો, બિલ્ડીંગ મટીરીયલ મશીનો, ખાણકામ ક્ષેત્રે ઉપયોગી ઉપકરણો અને આધુનિક ભારે વાહનોની વિશાળ શ્રેણી રજૂ કરવામાં આવી છે. K&D કોમ્યુનિકેશન અને મેસે મુએનચેન દ્વારા આયોજિત આ ઈવેન્ટમાં ભારતના ઝડપથી વિકસતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ ક્ષેત્રની અગ્રણી કંપનીઓ એકસાથે એક મંચ પર એકત્રિત થઈ છે.

આ પ્રદર્શનમાં 150 થી વધુ પ્રદર્શકો દ્વારા 1,200 થી વધુ અદ્યતન ઉત્પાદનો પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. અનુમાન છે કે, ત્રણ દિવસ દરમિયાન 25,000+ મુલાકાતીઓ લેશે તેમજ આ પ્રદર્શનથી રૂ. 1,500 કરોડનો બિઝનેસ ઉત્પન્ન થવાની અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે, આ ઈવેન્ટ ઉદ્યોગ વ્યાવસાયિકો, બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો અને નીતિ નિર્માતાઓને વિચારોનું આદાનપ્રદાન કરવા, ઉભરતી લેટેસ્ટ ટેકનોલોજી અંગે જાણકારી પ્રાપ્ત કરવા અને પશ્ચિમ ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ (માળખાગત વિકાસ)ને આગળ વધારતી ભાગીદારીને મજબૂત બનાવવા માટે એક ડાયનેમિક પ્લેટફોર્મ પ્રદાન કરે છે.

આ પ્રદર્શનમાં સમગ્ર બાંધકામ અને ખાણકામ મૂલ્ય શૃંખલાને લગતી મશીનરી અને ઉપકરણોની વિશાળ શ્રેણી રજૂ કરવામાં આવી છે. જેમાં માટી ખસેડવામાં ઉપયોગી વાહનો, રસ્તાના બાંધકામ અને જાળવણીના સાધનો, લિફ્ટિંગ ઉપકરણો અને કન્વેયર્સ, ફોર્મવર્ક અને સ્કેફોલ્ડિંગ અને બિલ્ડીંગ મટીરીયલનો સમાવેશ થાય છે.

K&D કોમ્યુનિકેશનના જનરલ મેનેજર અમિત મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, “ગુજરાત કોનેક્સની બીજી આવૃત્તિ, અગાઉ 2023 માં ઉદ્ઘાટન સમારોહની જબરદસ્ત સફળતા પર આધારિત છે. આ પ્લેટફોર્મ દેશના બાંધકામ ક્ષેત્રના મજબૂત વિકાસ અને માળખાગત વિકાસમાં રાજ્યનું નેતૃત્વ દર્શાવે છે. અમને વિશ્વાસ છે કે, આ ઇવેન્ટ ઉદ્યોગમાં મૂલ્યવાન સહકાર સ્થાપિત કરશે અને નવી વ્યવસાયિક તકો ઉભી કરશે, જે ‘વિકસિત ભારત 2047’ ના રાષ્ટ્રીય વિઝનમાં યોગદાન આપશે.”

ઉલ્લેખનીય છે કે, ‘ગુજરાત કોનેક્સ’ની પ્રથમ આવૃત્તિનું આયોજન પ્રદેશની સતત વધતી જતી માળખાકીય પ્રવૃત્તિ અને વૈશ્વિક સ્તરની કન્સ્ટ્રક્શન ટેકનોલોજીની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. આ નવી આવૃત્તિનો ઉદ્દેશ્ય, બાંધકામ ઉદ્યોગ માટે પશ્ચિમ ભારતના નિર્ણાયક ટ્રેડ ફેર તરીકે પ્રદર્શનની સ્થિતિને વધુ મજબૂત બનાવવાનો છે. આની સાથે જ, ઉદ્યોગના સહભાગીઓ વચ્ચે મજબૂત સંવાદને સરળ બનાવીને, આ ઈવેન્ટ થકી પ્રદેશમાં માળખાગત વિકાસની પ્રગતિ માટે નોંધપાત્ર અને લાંબાગાળાના કાયમી પરિણામો પ્રાપ્ત થવાની અપેક્ષા છે.

અત્રે ખાસ નોંધનીય છે કે, “ગુજરાત કોનેક્સ 2025” પ્રદર્શનનું આયોજન એવા સમયે થઈ રહ્યું છે, જ્યારે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં રેકોર્ડ સ્તરનું રોકાણ જોવા મળી રહ્યું છે. નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (NIP) દ્વારા વર્ષ 2027 સુધીમાં પરિવહન, ઉર્જા, પાણી અને સામાજિક માળખાગત સુવિધાઓમાં રૂ. 100 લાખ કરોડના રોકાણનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. જ્યારે કેન્દ્રીય બજેટ 2025-26 માં માળખાગત વિકાસને ટેકો આપવા માટે રૂ. 11.21 લાખ કરોડ ફાળવવામાં આવ્યાં છે. પ્રગતિ તરફના આ પરિવર્તનમાં અગ્રણી રાજ્ય ગુજરાત, દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન, ધોલેરા SIR, GIFT સિટી અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર જેવા મોટાં પ્રોજેક્ટ્સ દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

“ગુજરાત કોનેક્સ 2025” પ્રદર્શન, એ વાસ્તવમાં ઈનોવેશન, ટેકનોલોજી અને સહયોગનું પ્રદર્શન કરશે. આ ઉપરાંત આ મેગા ઈવેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ માટે રાજ્યના યોગદાન અને મહત્વકાંક્ષા પર પ્રકાશ પાડશે.

Share This Article