“ગુજરાતી ફિલ્મોમાં કોમેડી હોય તો જ ફિલ્મ ચાલે અને પારીવારીક ફિલ્મ લોકો વધું પંસદ કરે એવી રૂઢીગત માન્યતાઓને મારે તોડી નાંખવી છે. I want to Break these bloody barriers…” આ શબ્દો છે ગુજરાતી ફિલ્મ લેખક/દિગ્દર્શક આસિફ સિલાવત ના.
ગત રાત્રે જ આસિફ સિલાવત ની આગામી ફિલ્મ “મહેક – EVERY SECRET HAS A PRICE” નું પોસ્ટર લોન્ચ યોજાઈ ગયું. ટાફ આયોજિત આ ઇવેન્ટ અનોખી એટલે કહી શકાય કે કદાચ ગુજરાતી ફિલ્મોના ઈતિહાસમાં આવું ભાગ્યે જ થતું હોય કે કોઈ ફિલ્મનું પોસ્ટર લોન્ચ પણ એના મૂળ દર્શકો ની વચ્ચે જાહેરમાં થાય.
ગુજરાતી ફિલ્મોમાં પ્રયોગો થઈ રહ્યા છે. નવા-નવા પ્રયોગ સામે પડકાર પણ એટલાં જ છે. છેલ્લા દાયકામાં ગુજરાતી ફિલ્મોની રજૂઆત બદલાઈ છે. ગુજરાતી સર્જકો નવતર પ્રયોગ કરે છે અને એવા જ એક નવા પ્રયોગ સાથે આવી રહેલી એક મર્ડર મિસ્ટ્રી દર્શાવતી ગુજરાતી ફિલ્મ ‘મહેક’ નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ ફિલ્મના લેખક/દિગ્દર્શક આસિફ વધુ વાત કરતાં જણાવે છે કે “જે જોનરમાં ગુજરાતી ફિલ્મ બનાવતા પ્રોડ્યુસર અચકાય છે એવી ડાર્ક ઝોનમાં મારે ફિલ્મ બનાવવી છે. જેવી ફિલ્મ/વેબસિરીઝ તમે નેટફિલક્સ પર જુઓ છો એ પ્રકારની ફિલ્મ બનાવવા હું જઈ રહ્યો છું. આ ફિલ્મ બ્લડ શેડ સાથે સંપૂર્ણ ડાર્ક ફિલ્મ હોવાથી પારીવારીક ફિલ્મ બિલકુલ નથી અને તેના કારણે ફિલ્મને ‘A’ સેન્સર સર્ટીફીકેટ મળે તો પણ વાંધો નથી.”
આ કાર્યકમ ટાફ ગ્રુપના નેજા હેઠળ અમદાવાદ, બોપલના રામોદી બેન્ક્વેટમાં યોજાયો હતો. ફિલ્મમાં ટાફ ગ્રુપના કર્તાહર્તા તન્મય શેઠ માર્કેટિંગ હેડ છે. ટાફ ગ્રુપ હંમેશા કંઈક નવું કરવા માટે શહેરમાં જાણીતું છે અને એટલે જ કોઈ ફિલ્મનું લોન્ચિંગ આ રીતે થાય એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઐતિહાસિક ઘટના કહીં શકાય. કારણ કે મોટાભાગે કોઈ ઇવેન્ટ કરી અથવા તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ચહેરાઓની વચ્ચે ફિલ્મ લોન્ચ કરવામાં આવતી હોય છે પણ અહીં ફિલ્મના જે ખરા દર્શકો છે એમની વચ્ચે ફિલ્મનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. રોમાદી બેન્ક્વેટમાં ભોજન માટે આવેલાં લોકોએ પણ આ ઇવેન્ટનો લાભ લીધો હતો. આ ઇવેન્ટ માં ભોજન શહેરના જાણીતા કેટરર્સ “પૃથ્વી લક્ઝરી કેટરર્સ” ના સૌજન્યથી હતું તથા તેમાં મૌસમને અનુરૂપ કેસર કેરી નું મેન્યુ હતું એટલે એને સંલગ્ન આખી ઇવેન્ટ ને “કેસર કેરી ની મહેક” એવું નામ આપવામાં આવ્યું હતું અને ફિલ્મ નું જોનર ડાર્ક હોવાથી બ્લેક આઉટફિટ્સ ની થીમ પણ ટાફ દ્વારા રાખવામાં આવી હતી.
મહેક ફિલ્મ RHSG પ્રોડક્શનના બેનર હેઠળ બની રહી છે જેમાં આસિફ સિલાવત ડિરેકશન કરવાનાં છે અને ફિલ્મ પણ તેમણે જ લખી છે. ફિલ્મમાં જાણીતાં ફિટનેસ કોચ સપના વ્યાસ, ઉત્સવ નાયક, નિસર્ગ મિસ્ત્રી, પ્રિન્સ લીમડીયા, મોહિત શર્મા અને બંસી રાજપૂત કલાકારોમાં મુખ્ય છે. આગમી ટુંક સમયમાં જ ફિલ્મનું શુટિંગ શરૂ થશે જેનું લોકેશન ઉતરાખંડમાં છે.