ગુજરાતી ફિલ્મ ‘ગેટ સેટ ગો’માં જોવા મળશે સાઇકલિંગથી ભરેલ ઍક્શન અને ભાવનાની જંગ, સાયકલિંગ સ્ટન્ટ્સ સાથે કરાયું મૂર્હત

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ : તીખી મીઠી લાઈફ અને પાણી પૂરી જેવી સિરીઝ અને ભગવાન બચાવે ફિલ્મના મેકર્સ વાલ્મિકી પિક્ચર્સ જલિયાન ગ્રૂપ સાથેના સહયોગથી સાયકલિંગ રેસ પર આધારિત અનોખી ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યાં છે, જેનું શુભમૂર્હત તાજેતરમાં જ કરાયું હતું. આ ફિલ્મમાં દિપક તિજોરી, ભૌમિક સંપત, જીનલ બેલાણી, રૌનક કામદાર, સંવેદના સુવાલ્કા, ઓમ ભટ્ટ, શરદ શર્મા, ભવ્ય ગાંધી,ધર્મેન્દ્ર ગોહિલ, મુનિ ઝા, ભાવિની જાની, મોરલી પટેલ, પ્રેમલ યાજ્ઞિક જેવાં અવ્વલ કક્ષાના કલાકારોનો કાફલો જોવા મળશે. ગુજરાતી સિનેમાને એક નવો ઍડવેન્ચર ભરેલો વળાંક આપતી ફિલ્મ ‘ગેટ સેટ ગો’ આવવા જઈ રહી છે.

અમદાવાદમાં યોજાયેલ શુભમૂર્હત પ્રસંગે દીપક તિજોરી, ભૌમિક સંપત, જીનલ બેલાણી, રૌનક કામદાર, સંવેદના સુવાલ્કા, ઓમ ભટ્ટ, શરદ શર્મા સહિતના ફિલ્મના અન્ય કલાકારો ઉપસ્થિત રહ્યાં હતા અને ફિલ્મની આ એડવેન્ચર જર્ની શરૂઆત કરી હતી. આ ફિલ્મના મૂર્હત પ્રસંગે પૂજામાં સૌ કોઈ કલાકારોએ ભાગ લીધો અને સાયકલ સ્ટન્ટ્સ પણ દર્શાવ્યા હતા, જે આ ફિલ્મની મુખ્ય થીમ છે. આ સાયકલ સ્ટન્ટ્સ જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ પ્રકારનું ભવ્ય મૂર્હત કોઈ ગુજરાતી ફિલ્મમાં કદાચ પ્રથમ વાર થયું હશે. ફિલ્મની વાર્તાની વાત કરીએ તોઆ ફિલ્મમાં એક એવા ગ્રુપની વાત છે જે અમીરોથી પૈસા ચોરી કરીને ગરીબોને આપે છે, પણ એમની ચોરી કરવાની રીત અલગ છે, જેમાં સાયકલ્સ ઘણો મોટો ભાગ ભજવે છે.

હવે આગળ શું થાય છે તે તો ફિલ્મની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવશે ત્યારે જ ખબર પડશે અને ફિલ્મ રિલીઝ થયા બાદ આ એડવેન્ચર જર્નીનો સાચો ચિતાર્થ રજૂ થશે.

સાઇકલિંગ, એક્શન અને ઇમોશનથી ભરેલી મલ્ટી સ્ટારર ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાંઈક નવું લાવશે એવું લાગે છે.

શુભમૂર્હત પ્રસંગે ફિલ્મના તમામ કલાકારોની ઉત્સાહભરી હાજરીએ સમગ્ર ટીમના વિશ્વાસ અને ઊર્જાનો પરિચય આપ્યો હતો અને સાયકલિંગ સ્ટન્ટ પણ જોવા મળ્યા. હવે દર્શકોને રાહ છે તો માત્ર ફિલ્મના રિલીઝ ડેટની – કારણ કે ‘ગેટ સેટ ગો’ માત્ર એક ફિલ્મ નથી – એ છે એક ઉર્જાસભર સફર જે દિલ સુધી પહોંચશે. ફિલ્મ ‘ગેટ સેટ ગો’ માત્ર રેસ કે સાઇકલિંગની વાત નથી, પણ એ છે આત્મવિશ્વાસ, સાહસ અને ન્યાય માટે લડતની કહાણી.

Share This Article