વર્ષના છેલ્લા દિવસે માવઠું, જાણો ગુજરાતમાં વર્ષ 2026ના પહેલા પાંચ દિવસ કેવું રહેશે હવામાન

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ: 2025ના છેલ્લા દિવસે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો હતો. વાદળછાંયા વાતાવરણ વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્ચ જિલ્લાના ઘમાં વિસ્તારોમાં વરસાદ પડ્યો, સાંજના સમયે અમાદાવાદમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે આવો જાણીએ કે વર્ષ 2026ની શરૂઆતમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને વરસાદની સંભાવના છે કે નહીં તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ.

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે, ગુજરાતમાં આજથી એટલે નવા વર્ષની શરૂઆતથી (1 જાન્યુઆરી, 2026) તાપમાનના પારામાં બે દિવસ માટે બેથી ત્રણ સેલ્સિયસ ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધવાની શક્યતા છે.

વરસાદની આગાહી જોઈએ તો, ગુજરાતમાં આજથી ક્યાંય પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી નથી. જોકે, આજે વહેલી સવારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડ્યા હતા. વરસાદની આગાહી નથી જેના કારણે ખેડૂતોની ચિંતા પણ ઘટી છે.

31મી ડિસેમ્બરના રોજ અમદાવાદ, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો. રાજકોટના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટના જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જીવાપર, વિસામણ, પીઠડીયા, ખાખરા, જીલરીયા, ડાંગરા, ફતેપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ભરશિયાળે વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે. જીરું, ઘઉં સહિતના શિયાળુ પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે.

જેતપુર, ધોરાજી, જામકંડોરણા તેમજ ઉપલેટા પંથકમાં ભરશિયાળે કમોસમી વરસાદી ઝાપટા પડતા જનજીવન પ્રભાવિત થયું હતું. છૂટાછવાયા ઝાપટા પડતા રસ્તાઓ ભીના થયા હતા. શિયાળામાં કમોસમી વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

TAGGED:
Share This Article