અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાં હાલ નવાં બાંધકામના પ્રોજેક્ટો ઉપરાંત કેમ્પસમાં રોડ-યુનિ. ગેટ, પેવર બ્લોક સહિતનાં રૂ.૨૦૦ કરોડથી વધુનાં નવાં અને રિનોવેશન કામ ચાલી રહ્યાં છે આ માટે યુનિવર્સિટી કેમ્પસમાં ૫૦થી વધુ વર્ષોે જૂના ઘટાદાર વૃક્ષોનું નિકંદન કરી નાંખવામાં આવ્યું છે. જેને લઇ શહેરના પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમીઓમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ છે. એક તરફ યુનિવર્સિટી પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના પાઠ આપે છે અને બીજી બાજુ વર્ષો જૂના વૃક્ષો આડેધડ કપાઈ રહ્યા છે. હાલમાં ગુજરાત યુનિવર્સિટીમા કુલ નાના મોટા થઇને ૩૭ ગાર્ડન જેવા વિસ્તાર આવેલ છે પરંતુ તેમાંથી ૩પ ગાર્ડનની હાલત ખરાબ છે.
યુનિવર્સિટી મેઇન ટાવર બિલ્ડિંગની આસપાસ તેમજ કુલપતિના બંગલાના ગાર્ડન સિવાય એક પણ ગાર્ડન હાલમાં બચ્યો નથી અને દર મહિને કોન્ટ્રાકટરને રૂપિયા ચૂકવાઇ રહ્યા છે, પરંતુ યોગ્ય મેન્ટેનન્સ કરવામાં આવતું નથી. હાલમાં નવા કુલપતિ દ્વારા યુનિવર્સિટીને નવાં રૂપરંગ આપવા વિવિધ પ્રકારનાં કામ યુનિવર્સિટીમાં હાથ ધરાયાં છે ત્યારે કે.એસ. સ્કૂલ ઓફ મેનેજમેન્ટનું વિશાળ પા‹કગ, જે ઓગસ્ટ-ર૦૧૬માં ૩પ લાખના ખર્ચે પા‹કગ બનાવ્યું હતું તે બે જ વર્ષમાં તોડી નખાયું છે અને તેની વચ્ચેથી રસ્તો કાઢીને નવું પા‹કગ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે તેમજ બે વર્ષ પૂર્વે તૈયાર કરેલ તમામ રસ્તા તોડીને આરસીસી રોડ બનાવાઇ રહ્યા છે.
હાલમાં યુનિવર્સિટીમાં રોડ-રસ્તા તેમજ ફૂટપાથ નાખવાની કામગીરી ચાલી રહી છે તેમજ યુનિવર્સિટી ફરતે ગેટ પણ બનાવવામાં આવ્યા છે. હાલમાં લાખો રૂપિયાનો ખર્ચ કરીને કુલપતિની ઓફિસ તેમજ યુનિવર્સિટીના બિલ્ડિંગમાં રિનોવેશન કરવામાં આવ્યું છે તો બીજી બાજુ કે.એસ. સ્કૂલ અને યુનિવર્સિટીના ટાવર વચ્ચે પાર્કિગ એરિયામાં સમગ્ર યુનિવર્સિટીનું પા‹કગ એક સ્થળે થાય તે રીતે બનાવ્યું હતું અને અહીં ગયા બે વર્ષ પહેલાં ૩પ લાખ રૂપિયાના ખર્ચે પેવરવર્ક કર્યું હતું, પરંતુ હાલમાં આ જગ્યા પર પા‹કગ તોડીને રસ્તો બનાવામાં આવ્યો છે. રસ્તો બનાવ્યા બાદ ફરી પા‹કગ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.
પર્યાવરણની જાળવણી માટે રાજ્ય સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સમયાંતરે વૃક્ષારોપણના કાર્યક્રમોનું આયોજન કરીને નાગરિકોને નવા ઝાડ વાવવા અને હયાત વૃક્ષોનું જતન કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવે છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં કેમ્પસમાં રિનોવેશનના નામે છેલ્લા બે મહિનામાં એક સાથે ૫૦થી વધુ વર્ષો જૂના ઘટાદાર વૃક્ષોનું નિકંદન કાઢી નખાયુંં છે, જેના કારણે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરોની સાથે સાથે ખુદ પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓમાં ઉગ્ર રોષની લાગણી ફેલાવા પામી છે. યુનિવર્સિટીના સત્તાધીશોએ સૂચક મૌન સેવી રાખ્યું છે, પ્રકૃતિપ્રેમી જનતાએ નિકંદન કરાયેલ વૃક્ષોથી બમણા વૃક્ષો વાવવા અને સમગ્ર વિસ્તારને હરિયાળો કરવા પણ માંગણી કરી છે.