અમદાવાદ : રાજ્યમાં લોકસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના રાજકીય દિગ્ગજો તમામ ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં ઉતરી રહ્યા છે. જેને લઇ ગુજરાતના આવનારા સપ્તાહ પર દેશ અને દુનિયાની નજર મંડાશે કારણ કે, ભાજપ તરફથી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રચાર અભિયાન છેડશે તો, સામે કોંગ્રેસ તરફથી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર માટે વિશાળ જનસભાઓ અને રેલીઓ ગજવશે. આ ચૂંટણીમાં ભાજપ પોતાની તમામ ૨૬ બેઠકો બચાવવા અને કોંગ્રેસ પોતાનું ખાતું ફરી ખોલાવવા મરણીયા પ્રયાસો કરી રહ્યા છે.
આજથી ગુજરાતમાં હવે ભાજપના રાજકીય માંધાતાઓ મોદી અને અમિત શાહ વિરૂધ્ધ કોંગ્રેસના રાહુલ અને પ્રિયંકા ગાંધીનો જોરદાર પ્રચાર જંગ જામશે, જેને લઇ રાજકીય વિશ્લેષકો સહિત નિષ્ણાતોની નજર પણ મંડાયેલી છે. આવતીકાલે ૧૪મી એપ્રિલે અમિત શાહ અમદાવાદ આવશે, ત્યારબાદ તેઓ કલોલ અને ગાંધીનગર (ઉત્તર)માં લોકસંપર્ક અને રોડ શો કરશે. આ સાથે ગ્રામ્ય વિસ્તારના ૧૨ ગામના કાર્યકરો સાથે રાંધેજામાં ગ્રુપ મીટિંગ કરશે. જ્યારે ગાંધીનગર વિસ્તારના કાર્યકરો સાથે સેક્ટર-૨૨માં ગ્રુપ મીટિંગ કરશે. તો, રાત્રે ૮ વાગ્યે ગાંધીનગર શહેરના કાર્યકરો સાથે બેઠક કરશે. આ ઉપરાંત ગાંધીનગરની સામાજિક સંસ્થા સાથે પણ બેઠક કરશે. તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૧૭ એપ્રિલે બપોરે ૨ વાગ્યે અમદાવાદ આવશે.
ત્યાંથી ૨.૩૦ વાગ્યે હિંમતનગરમાં જાહેર સભા અને ૪ વાગ્યે સુરેન્દ્રનગરમાં જાહેરસભા ગજવશે. જ્યારે સાંજે ૭ વાગ્યે આણંદમાં સભા સંબોધશે. વડાપ્રધાન રાત્રે રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. મોદી ખુદ રાત્રિ રોકાણ દરમિયાન ગુજરાતની ૨૬ સીટો પર ભાજપની સ્થિતિ વિશે સમીક્ષા કરશે. આ સાથે મુખ્યમંત્રી સહિતના ગુજરાતના નેતાઓ સાથે બંધ બારણે બેઠક પણ કરશે. ત્યારબાદ તા.૧૮મી એપ્રિલે મોદી અમરેલીમાં સવારે ૧૦ વાગ્યે જાહેર સભાને સંબોધશે. બીજીબાજુ, કોંગ્રેસ પણ આ વખતે આક્રમક મૂડમાં છે અને લોકસભા ચૂંટણીમાં ભાજપને જારદાર ટક્કર આપવાનું મન બનાવીને બેઠી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી તા.૧૫મી એપ્રિલે સવારથી જ અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં એમ એક દિવસમાં ૩ વિશાળ જન સભા સંબોધશે. ત્યારબાદ તા.૧૮ એપ્રિલના રોજ કેશોદ અથવા પોરબંદરમાં જાહેર સભા સંબોધશે. આ પછી રાહુલ તા.૨૦ એપ્રિલે બારડોલી-દાહોદ-પાટણમાં જાહેર સભા કરશે.