અમદાવાદ: જો તમારું સંતાન ધોરણ 12 પછી મેડિકલ કે ડેન્ટલનો અભ્યાસ કરી રહ્યું છે? અને મેડિકલમાં અભ્યાસ કરવાનો ખર્ચનો પરવડે એમ નથી. તો ચિંતા ન કરો રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2015-16થી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના શરૂ કરાઈ છે, જેના દ્વારા વિદ્યાર્થીને ટ્યૂશન ફીના 50 ટકા કે પછી 2 લાખ, બે માંથી જે ઓછું હોય તે સહાય મળી શકે છે. અહીં જાણી લો રાજ્ય સરકારની મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની પૂરી માહિતી.
ગુજરાત રાજ્યના ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી આર્થિક સહાય મળી રહે તે હેતુથી શૈક્ષણિક વર્ષ 2015-16થી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) સરકાર દ્વારા શરૂ કરાઈ છે. વિદ્યાર્થીને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવી નિયત સ્નાતક અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સહાય મળવાપાત્ર છે. MBBSમાં NEETના આધારે એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે.
આ માટે આવક મર્યાદાની વાત કરીએ તો રૂ. 6 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવનાર વાલીઓના સંતાનોને આ યોજનાનો લાભ મળશે. જેમાં વિદ્યાર્થીને ટ્યૂશન ફીના 50 ટકા કે પછી 2 લાખ, બે માંથી જે ઓછું હોય તે સહાય મળી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને રૂ. 12 હજાર રહેવા અને જમવાના પણ મળવાપાત્ર લાભ છે. તેવી જ રીતે પ્રથમ વર્ષે સાધન કે પુસ્તકો માટે 10 હજાર મળવાપાત્ર છે.
તેવી જ રીતે એન્જિનિયરિંગ, ટેકનોલોજી, ફાર્મસી, આયુર્વેદ, નર્સિંગ અને પેરા મેડિકલના અભ્યાસ માટે વિદ્યાર્થીને ટ્યૂશન ફીના 50 ટકા કે પછી 50 હજાર, બે માંથી જે ઓછું હોય તે સહાય મળી શકે છે. વિદ્યાર્થીઓને રૂ. 12 હજાર રહેવા અને જમવાના પણ મળવાપાત્ર લાભ છે. તેવી જ રીતે પ્રથમ વર્ષે સાધન કે પુસ્તકો માટે 5 હજાર મળવાપાત્ર છે.
જ્યારે ધોરણ 10 પછી જે વિદ્યાર્થીઓ ડિપ્લોમા અભ્યાસમાં જોડાય છે તેવા વિદ્યાર્થીઓને ટ્યૂશન ફીના 50 ટકા કે પછી 25 હજાર, બે માંથી જે ઓછું હોય તે સહાય મળી શકે છે. સાથે વિદ્યાર્થીઓને રૂ. 12 હજાર રહેવા અને જમવાના પણ મળવાપાત્ર લાભ છે. તેવી જ રીતે પ્રથમ વર્ષે સાધન કે પુસ્તકો માટે 3 હજાર મળવાપાત્ર છે. વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળી રહે તે માટે વિવિધ તાલુકા અને જિલ્લાવાઈઝ 326 હેલ્પ સેન્ટર્સ ઉપલબ્ધ છે. આ કેન્દ્રો દ્વારા અભ્યાસક્રમ મુજબ સહાયની માહિતી આપવામાં આવે છે.
