અમદાવાદ : ગુજરાતની ૨૬ લોકસભા સીટોમાંથી કોંગ્રેસે મિશન-૧૩ નો પ્લાન બનાવ્યો છે. પાર્ટીએ ગુજરાત રાજયમાં આ સીટોની ઓળખ પણ કરી લીધી છે કે જ્યાંથી તેને જીતની આશા છે. કોંગ્રેસે આ માટે જમીની સ્તર પર કામ કરવુ શરૂ કરી દીધુ છે. એટલું જ નહી, કોંગ્રેસ દ્વારા ગયા વર્ષે રાજ્યમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જીતવામાં પરસેવો પડી ગયો હતો અને ૧૦૦નો આંકડો પણ ન અડી શકી. બીજી બાજુ કોંગ્રેસ બીજેપીથી માત્ર ૯ સીટ પાછળ રહી ગઈ હતી. એટલું જ નહી, દેશમાં અન્ય રાજયોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં પણ ભાજપનો સફાયો કરી કોંગ્રેસ સત્તા આંચકી લેતાં કોંગ્રેસનું નૈતિક મનોબળ હાલ ઉંચુ આવ્યું છે.
અલબત્ત જસદણની ગઢ સમાન બેઠક ગુમાવવાનો રંજ કોંગ્રેસને હજુ પણ છે પરંતુ સ્થાનિક નેતાગીરી અને કોંગી હાઇકમાન્ડે તેના આઘાતમાંથી બહાર આવીને લોકસભાની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ગુજરાતની ૨૬ લોકસભા બેઠકોમાંથી મહત્તમ બેઠકો કબ્જે કરવા નિર્દેશ જારી કર્યા છે. ગુજરાતની આગામી લોકસભા ચૂંટણીને લઇ કોંગ્રેસ જે ૧૩ લોકસભા સીટો પર જીતની આશા લગાવી છે તેમાં રાજયની આણંદ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, જૂનાગઢ, દાહોદ, બારડોલી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, ભરૂચ અને મહેસાણા લોકસભા સીટનો સમાવેશ થાય છે. કોંગ્રેસ દ્વારા આ ૧૩ સંસદીય સીટોની ઓળખ છેલ્લા બે વિધાનસભા ચૂંટણી અને બે લોકસભા ચૂંટણીના પરિણામોને ઝીણવટભર્યો અભ્યાસ કર્યા પછી કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસ ખૂબ સારા પરિણામો લાવવામાં સફળ રહી હતી. આ રણનીતિના હેઠળ લોકસભા ચૂંટણીમાં પણ ગ્રામીણ વિસ્તારની સીટો પર કોંગ્રેસે ફોક્સ કર્યુ છે.
ખેડૂત પાટીદાર દલિત અને ગ્રામીણ વિસ્તારના વોટરોને પોતાના સાથે જોડવા માટે પાર્ટી કાયદેસર રણનીતિ બનાવવામાં લાગી છે. કોંગ્રેસે લોકસભા સીટ હેઠળ આવનારા દરેક વિધાનસભા સીટ પર ગુજરાત કોંગ્રેસ કમિટીના એક સચિવની નિમણૂક કરી છે. આ સચિવને બૂથ સ્તર પર કાર્યકર્તા શોધ કરવા અને તેમને ટ્રેનિંગ આપીને કામે લગાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. એટલુ જ નહી દરેક સક્રિય કાર્યકર્તાની ઓળખ કરવી અને તેમની મીટિંગ કરવાની જવાબદારી આપવામાં આવી છે. આ યોજના હેઠળ એક વિધાનસભામા લગભગ ૨૭૦ બૂથ પર મજબૂત કાર્યકર્તા લગાવવાના છે. કોંગ્રેસ હાલ મિશન-૧૩ને લઇ ખાસ વ્યૂહરચના પમ તૈયાર કરી રહ્યું છે અને ચૂંટણીમાં ભાજપને મહત્તમ ડેમેજ કરવાની રણનીતિ ઘડી રહ્યું છે.