પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત સરકાર દ્વારા સાબરમતી આશ્રમની શતાબ્દી અને ગાંધીજી વિષયક ટેબ્લો રજૂ થશે
આગામી ૨૬મી જાન્યુઆરીએ નવી દિલ્હી ખાતે દસ આશિયાન પ્રમુખોની ઉપસ્થિતિમાં યોજાનાર પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત સરકાર દ્વારા ‘‘સાબરમતી આશ્રમની શતાબ્દી અને ગાંધીજી’’ વિષયક ટેબ્લો રજૂ થશે. સાબરમતી આશ્રમના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત સરકાર દ્વારા આ વિષયની પસંદગી કરવામાં આવી છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપના ઇ.સ.૧૯૧૭માં કરી હતી. આશ્રમમાં આવેલ હ્રદય કુંજ વર્ષો સુધી મહાત્મા ગાંધી અને કસ્તુરબાનું નિવાસસ્થાન રહ્યું હતું. આ એજ સ્થાન છે, જયાંથી ગાંધીજીને તમામ રાષ્ટ્રીય પ્રવૃત્તિને પ્રેરણા મળી હતી. આ સ્થાને તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેતાગણ મળવા આવતા હતા. આ સમયગાળા દરમિયાન મોહનદાસ ગાંધીને લોકોએ મહાત્મા ગાંધીની ઓળખ આપી.
આજ સ્થાનેથી ઇ.સ.૧૯૩૦માં વિશ્વ વિખ્યાત દાંડી યાત્રાનો પ્રારંભ થયો હતો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ચરખા દ્વારા સ્વદેશી ખાદીને પુનઃ પ્રચલિત બનાવી હતી. જેથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને ચરખો કાતંતા દર્શાવ્યા છે. આ ઝાખીમાં પ્રથમ સત્યાગ્રહી અને ભૂદાન ચળવળના પ્રણેતા વિનોબા ભાવેને તેઓની કુટિર આગળ આબેહૂબ બેઠેલા દર્શાવાયા છે અને આશ્રમના હ્રદય સમાન હ્રદય કુંજને પ્રતિકૃતિથી દર્શાવવામાં આવી છે. આશ્રમમાં થતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે, પ્રાર્થના, સેવા, કન્યા શિક્ષણ, સ્વચ્છતા અને સફાઇ, પત્રિકા પ્રિન્ટીંગ, હાથ બનાવટ પેપર નિર્માણને દર્શાવવામાં આવી છે. નમક સત્યાગ્રહ ઇ.સ.૧૯૩૦માં જે સાબરમતી આશ્રમમાંથી પ્રસ્થાન થયું હતું તેને ભીતચિત્ર દ્વારા ઉજાગર કરવામાં આવ્યું છે. ટેબ્લોની સાથે સાથે ભજનીક કલાકારો દ્વારા ગાંધીજીને ગમતું ભજન ‘વૈષ્ણવ જન તો તેને કહીએ’-ગાન ગાતાં જોવા મળશે. અને સમગ્ર વાતાવરણને જીવંત બનાવશે.
માહિતી નિયામક એન. બી. ઉપાધ્યાય, અધિક માહિતી નિયામક અરવિંદ પટેલ અને નાયબ માહિતી નિયામક પંકજ મોદી અને નાયબ માહિતી નિયામક મુકુંદ પટેલના માર્ગદર્શન હેઠળ ટેબ્લોનું નિર્માણ થયેલ છે. સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઇઝિંગ, અમદાવાદના સિદ્ધેશ્વર કાનુગા અને તેમની ટીમના મયૂર વાકાણી વગેરેએ વિઝ્યુલાઇઝેશન-ફેબ્રિકેશન જેવી કામગીરી સુંદર રીતે કરી છે.